GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કેવિકે ખાતે ધ અંબિકા હાઈસ્કૂલ ગડતના વિદ્યાર્થીઓ માટે ૧૦ દિવસીય કૃષિ વિષયક કૌશલ્યવર્ધન તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ધ અંબિકા હાઈસ્કૂલ, ગડત અને કેવિકે, નવસારીનાં સંયુકત પ્રયાસ દ્વારા ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને કૃષિ વિષયક કૌશલ્યવર્ધન તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે યોજવામાં આવી હતી.

આ તાલીમમાં કુલ-૩૯ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પો, વર્મીકમ્પોસ્ટ બનાવટ,  કંમ્પોસ્ટ પીટ, વિવિધ શાકભાજી પાકોનાં પ્લગ ટ્રેમાં ધરૂ ઉછેર, મૂલ્યવર્ધન, ગૃહવિજ્ઞાન, પશુપાલન, બકરાપાલન, મધમાખીપાલન, કિચન ગાર્ડન, સંકલિત ખેતી, ડ્રોન ટેકનોલોજી, કૃષિમાં ICT નો ઉપયોગ જેવાં વિવિધ વિષયો અંગેનું થિયોરીકલ અને પ્રાયોગિક માર્ગદર્શન મળી રહે તે માટે ઉપરોકત વિષય સંલગ્ન કૃષિ યુનિવર્સિટીનાં વિવિધ વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે ખેતીમાં ઉત્તમ કામગીરી કરનાર જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતોનાં ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.

૧૦ દિવસીય તાલીમનાં વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનાં મૂલ્યાંકન માટે તાલીમ લીધા પહેલાં અને તાલીમ લીધા બાદનું મૂલ્યાંકન પત્રક પણ ભરાવવામાં આવ્યું હતું. ન.મ.કૃષિ મહાવિદ્યાલયનાં આચાર્ય અને ડીનશ્રી ડૉ.આર.એમ.નાયકે તાલીમના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કૃષિનાં વિવિધ અભ્યાસક્રમો અંગે માહિતી આપી ખેતીમાં આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમો અપનાવવા પર ભાર મૂકયો હતો. તેમણે સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.કિંજલ શાહે તાલીમમાં આવરી લેવામાં આવેલ વિવિધ વિષયોનાં હેતુઓ અને ઉપયોગો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાનાં અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતાં. દરેક વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર મહાનુભાવોનાં હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં. આ તાલીમનાં આયોજન અને વ્યવસ્થા માટે શાળા સંચાલક અને તાલીમ સાથે સંકળાયેલ શિક્ષકશ્રી લાલુભાઈ હળપતિએ સંતોષ વ્યકત કરી આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર તાલીમના સફળ આયોજન માટે કેવિકેનાં ગૃહવૈજ્ઞાનિક નિતલ પટેલ અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!