
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના કંભરોડા ગામે ૪૬ વર્ષીય ખેડૂત કુવામાં પડી જતાં મોત, મોટર ચાલુ કરવા ગયા ત્યારે પગ લપસી પડતા બની ઘટના
મેઘરજ તાલુકાના કંભરોડા ગામે દુઃખદ અકસ્માતમાં ૪૬ વર્ષીય ખેડૂતનું કુવામાં પડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ખેતરમાં સિંચાઈ દરમિયાન કુવા પર લગાવેલી ઇલેક્ટ્રિક મોટર બંધ થઈ જતા ખેડૂત તેને ચાલુ કરવા માટે કુવા પર ગયા હતા, ત્યારે પગ લપસી જતા તેઓ કુવામાં ખાબક્યા હતા.મૃતક ખેડૂત ડામોર લાલાભાઈ ગમાભાઈ મંગળવારે બપોરે પોતાના કાકાના મકાન પાછળ આવેલા કુવા પર ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા. મોટર શરૂ કર્યા બાદ કુવામાં પાણી જોવા જતા તેમનો પગ અચાનક લપસી ગયો હતો અને તેઓ કુવામાં પડી ગયા હતા.ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગામલોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રસ્સીની મદદથી તેમને કુવામાંથી બહાર કાઢ્યા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતકના પુત્રના નિવેદનના આધારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.





