DEDIAPADAGUJARATNARMADA

ધારાસભ્ય ચૈતર વસાવાની મોટી જાહેરાત – પોતે એપીએમસીઓમાં જઈ કળદા પ્રથાને રોકશે

ધારાસભ્ય ચૈતર વસાવાની મોટી જાહેરાત – પોતે એપીએમસીઓમાં જઈ કળદા પ્રથાને રોકશે

તાહિર મેમણ- ડેડીયાપાડા- 15/10/2025 – ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોની તમામ એપીએમસી (APMC)માં જઈને ત્યાં ચાલતી કળદા પ્રથાને નાબૂદ કરવાનો પ્રયાસ કરશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે હાલ આદિવાસી વિસ્તારોના માર્કેટ યાર્ડો પદાધિકારીઓ માટે કમાવાનું સાધન બની ગયા છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે તે ભાવો આદિવાસી વિસ્તારોમાં અમલમાં જ નથી આવતા. ઉદાહરણ તરીકે, મકાઈનો ટેકાનો ભાવ 2100 રૂપિયા નક્કી થયો હોવા છતાં ખેડૂતોને ફક્ત 1800 થી 1900 રૂપિયા મળે છે, અને કપાસનો ભાવ 1620 રૂપિયા જાહેર થયો હોવા છતાં ખેડૂતોને ફક્ત 1200-1300 રૂપિયા ચૂકવવામાં આવે છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે તેઓ જાતે એપીએમસીમાં જઈને ખેડૂતો સાથે વાતચીત કરશે અને ત્યાં ચાલતી કળદા પ્રથાને નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે. તેમણે વધુમાં કહ્યું કે બોટાદ હોય કે ગાંધીનગર, જ્યાં પણ ખેડૂતો માટે જવું પડે ત્યાં તેઓ હજારો ખેડૂતો સાથે પહોંચી જશે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખેડૂતોની સાથે મજબૂતીથી ઉભી છે અને ખેડૂતોના હિતમાં દરેક લડત લડશે.

 

ધારાસભ્ય ચૈતર વસાવાએ બોટાદના હડદડ ગામની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ખેડૂત કાર્યક્રમ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, જે અત્યંત નિંદનીય છે. વસાવાએ આરોપ મૂક્યો કે પોલીસે જાણી જોઈને જગતના તાત — એટલે કે ખેડૂતો — પર અત્યાચાર કર્યો, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. તેમણે કહ્યું કે જ્યારે પણ આમ આદમી પાર્ટી કોઈ કાર્યક્રમ કરે છે ત્યારે તરત જ કલમ 144 લાગુ કરી દેવામાં આવે છે, પરંતુ ગુજરાતભરમાં ભાજપના કાર્યક્રમો કોઈ પરવાનગી વગર ચાલી રહ્યા છે અને એ સમયે કોઈ કાર્યવાહી થતી નથી. ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો કે જો આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ “પરવાનગી વગર” ગણાય છે, તો પછી ભાજપના કાર્યક્રમો માટે શા માટે પરવાનગીની કોઈ જરૂર પડતી નથી? વસાવાએ અંતમાં કહ્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અને સન્માન માટે અંત સુધી લડશે અને કળદા પ્રથા જેવી અયોગ્ય વ્યવસ્થાને ગુજરાતમાંથી સંપૂર્ણપણે ઉખેડી નાખશે.

Back to top button
error: Content is protected !!