
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને લજવતો અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષાના નામે ચાલતી આ સંસ્થામાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આશ્રમશાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકે એક ૧૫ વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જે સંસ્થા પર વાલીઓ અતૂટ ભરોસો મૂકીને પોતાની દીકરીઓને ભણવા મોકલે છે,ત્યાં જ સત્તા અને વગનો દુરુપયોગ કરીને દીકરીઓની આબરૂ સાથે ખેલ ખેલાતા શિક્ષણ જગત સામે અનેક સવાલો ઊભા થયા છે.આ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગતો મુજબ, આશરે સાતથી આઠ દિવસ પહેલા આશ્રમની અન્ય વિદ્યાર્થિનીઓ જ્યારે સાફ-સફાઈના કામમાં વ્યસ્ત હતી, ત્યારે આ દુષ્કર્મનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આશ્રમમાં રસોઈકામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને “રસોડામાં કામ છે” તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી. ત્યારબાદ સોનલબેને આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી. કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી પ્રફુલભાઈ નાયક તેને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી નરાધમ કૃત્ય આચર્યું હતું.આ સંવેદનશીલ અને હીન ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીના પરિવારજનો અને આદિવાસી સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે આહવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી પ્રફુલભાઈ નાયક અને તેને આ કૃત્યમાં મદદ કરનાર રસોઈણ સોનલબેન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા પીડિત વિદ્યાર્થિનીનું મેડિકલ પરીક્ષણ કરાવીને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. સંચાલક મંડળ સાથે જોડાયેલા વગદાર વ્યક્તિની સંડોવણી હોવા છતાં, કાયદો તેનું કામ કરશે તેવો વિશ્વાસ પોલીસ તંત્ર દ્વારા અપાયો છે. હાલમાં આ નરાધમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ડાંગ પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે..





