VALSADVALSAD CITY / TALUKO

વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રીશ્રીએ કેથ લેબ, જનરલ ઓપીડી, જીઆઈ એન્ડોસ્કોપી ઓટી, સર્જીકલ આઈસીયુ અને ઈમરજન્સી રૂમ સહિતની વિઝિટ લીધી

—-

વલસાડ, તા. ૨ ફેબ્રુઆરી

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રવિવારે વલસાડના ને.હા. નં. ૪૮ પર પારડી પારનેરા ખાતે સ્થિત ૧૮૮ બેડની અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS)નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડના ગુંદલાવ હેલિપેડ પર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન થતા અતુલ કંપનીના એમડી સુનિલભાઈ લાલભાઈ, ડાયરેકટર વિવેક ગદરે, જનરલ મેનેજર ગૌતમ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિતનાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલની તક્તિનું મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કરી રીબીન કાપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મુખ્ય સુવિધાઓ પૈકી  તબીબી, સર્જીકલ, કાર્ડિયાક અને આઇસોલેશન કેસો માટે ૧૨ – બેડના NICU અને આઇસોલેશન ICU સાથે ૩૪ – બેડના ICU જેવા વિશિષ્ટ ઇન્ટેન્સિવ કેર યુનિટ, અદ્યતન ડાયગ્નોસ્ટિક કેથ લેબ, સર્જીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઓપીડી, ઈમરજન્સી રૂમ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર, મેમોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, સીટી સ્કેન અને એમ આર આઈ સુવિધાઓ સાથે રેડિયોલોજી વિભાગની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ અને તબીબો સાથે ફોટો સેશન કરાવ્યું હતું.

આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના ચેરમેન વિમળાબેન લાલભાઈ, VIMS ના ચેરમેન ડૉ. સંદીપ દેસાઈ, સીઈઓ અદિતી દેસાઈ, VIMSના ડિરેક્ટર નિષ્ઠા લાલભાઈ, VIMSના ડિરેક્ટર ભરતભાઈ દેસાઈ, VIMSના ડાયરેક્ટર ડૉ. સુનિલ ચોક્સી અને VIMS ના ડાયરેક્ટર અજીતસિંહ બત્રા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં જનરલ મેડિસિન, પિડીયાટ્રીક્સ, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક્સ, ઇએનટી અને અન્ય સુવિધાઓ સહિત તબીબી વિશેષતાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. વધુમાં, તે કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, યુરોલોજી, હેમેટોલોજી અને ઓન્કો-સર્જરી જેવા ક્ષેત્રોમાં સુપર-સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરશે. અન્ય નોંધપાત્ર સુવિધાઓમાં અલ્પ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે તૈયાર કરાયેલ કેન્સર કેર યુનિટ, ટ્રોમા સેન્ટર, સ્ટ્રોક યુનિટ, બ્લડ સ્ટોરેજ અને ડાયાબિટીસ સેન્ટરનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!