હડિયોલ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેંક ક્ષેત્રની વિવિધ સુવિધાઓને લગતી શિબિર યોજાઈ

હડિયોલ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેંક ક્ષેત્રની વિવિધ સુવિધાઓને લગતી શિબિર યોજાઈ
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં એચડીએફસી અને વિવિધ બેંકો દ્વારા નાણાકીય સમાવેશના ત્રણ મહિનાના સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ઇ-કેવાયસી સહિત વિવિધ સુવિધાઓ અને યોજનાઓની માહિતી સભર શિબિર યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલવવા, પેન્શન યોજનાનો લાભ લેવો અને આ શિબિરની સુવિધાઓનો ગ્રામજનોએ વધુમાં વધુ લાભ લેવા માટે જણાવ્યું હતું.
આ શિબિરમાં નવીન ખાતુ ખોલાવવું, અકસ્માત વીમા, જીવન વીમા કવર, જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, નિષ્ક્રિય ખાતામાં ફરીથી કેવાયસી કરાવવી જેવી વિવિધ સુવિધાઓ અને યોજનાઓથી રામજનોને માહિતગાર કરવામાં આવ્યા અને ઘર આંગણે તેમને બેંક દ્વારા વિવિધ સુવિધાઓ આપવામાં આવી હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં વિવિધ બેંકો દ્વારા ગામડાઓમાં સભા કરી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ જનતાને ઘર આંગણે આપવામાં આવે છે.
આ શિબિરમાં હડિયોલ ગામના સરપંચ શ્રી, બેન્ક ઓફ બરોડાના ડીઆરએમ, લીડ બેંક મેનેજર, એચડીએફસી ક્લસ્ટર હેડ, સહિત વિવિધ બેંકના અધિકારી-કર્મચારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




