શહેરામાં કતલના ઇરાદે બાંધી રાખેલ 11 ગૌવંશને બચાવી બે આરોપીઓ સામે ગુન્હો નોંધાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
શહેરા: પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાત અને નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દ્રા જાડેજાની સૂચના મુજબ શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે પશુ ક્રૂરતા અટકાવવા માટે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે. બાતમીના આધારે શહેરા સરકારી દવાખાના પાસે રહેતા મોહસીન યુસુફ બેલીમના ઘરે અને તેની આસપાસની ઝાડીઓમાં રેડ પાડતા, કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધી રાખેલ 4 ગાય, 3 બળદ અને 4 વાછરડા મળી કુલ 11 જીવિત ગૌવંશ (કિંમત રૂ. 97,000) મળી આવ્યા હતા. પોલીસે આ તમામ પશુઓને બચાવી ગોધરા પરવડી પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપ્યા છે. આ સાથે જ સ્થળ પરથી છરીઓ અને વજન કાંટા જેવો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે શહેરા પોલીસે આરોપી સાલેહા મોહસીન બેલીમ અને મોહસીન યુસુફ બેલીમ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







