સમીર પટેલ, ભરૂચ
બાળકીના મોઢા અને ગુપ્તાંગમાં ગંભીર ઇજા
ઝારખંડના 35 વર્ષીય નરાધમને પોલીસે 6 ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે. બાળકીની એકલતાનો લાભ લઈ નજીકમાં રહેતા યુવાને જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાતિય શ્રમિક પરિવાર એક GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.જેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતાના પર તળેથી જમીન સરકી ગઇ હતી.
નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઇડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.
આરોપી ખાનગી કંપનીમાં સેંટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.બાળકી સાંજના સમયે રમી રહી હતી તે દરમિયાન તેની એકલતાનો લાભ લઇ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેકી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીની પોક્સો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્યંત ગંભીર આ ગુનાને પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ હજુ ચિંતાનો વિષય એ છે કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી હજુ સારવાર હેઠળ છે જેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
નરાધમ વતન ઝારખંડ ભાગી જાય તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો
બાળકી બળાત્કારનો ભોગ બની હતી. હવસખોરે તેને મોં અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બળાત્કારનો ગુનો નોંધી DYSP અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોરની શોધખોળ શરૂ કરાઈ હતી. આજે વહેલી સવારે પોલીસને મોટી સફળતા હાંસલ થઇ હતી. પીડિતાના ઘરથી નજીકમાં રહેતો વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો દરમિયાન તેને ઝડપી પડાયો હતો. આરોપી ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. જેની તબીબી તપાસ હાથ ધરાઈ છે.