ગોધરા ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કલા સાધકોનું સન્માન સમારોહ યોજાયો
પંચમહાલ ગોધરા:
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા : પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સંસ્કાર ભારતી પંચમહાલ એકમ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કલા ક્ષેત્રે અપાર યોગદાન આપનારા કલાસાધકોને કલા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગોધરાના અધ્યક્ષ રાજુભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. પ્રારંભમાં ગોધરાની કિન્નરીબેન સોની અને ડૉ. રૂપેશ નાકરે ભક્તિમય પ્રાર્થના રજુ કરી હતી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં પંચમહાલ જિલ્લાના જાણીતા કલા સાધકો – શ્રીમતી પૂર્ણિમાબેન દેસાઈ, સુભાષભાઈ દેસાઈ અને જનકભાઈ પટેલને “કલા એવોર્ડ”થી નવાજવામાં આવ્યા હતા. એવોર્ડ પ્રાપ્તકર્તાઓએ પોતાના ભાવભીના મંતવ્ય રજૂ કરતાં સંસ્કાર ભારતીના આ કાર્યને બિરદાવીયું હતું.
અધ્યક્ષ સ્થાનેથી રાજુભાઈ જોશીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અનુકૂળ વર્ષભરના કાર્યક્રમોની જાણકારી આપી હતી. તેમણે રાષ્ટ્રીયતા, સમાનતા અને સમાજ સેવા જેવા મૂલ્યોના સંવર્ધન અંગે ઊંડાણપૂર્વક વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત સંસ્થાના મહામંત્રી ગોપાલભાઈ પટેલે કર્યું હતું અને સુંદર સંચાલન સંસ્થાના ખજાનચી શ્રી મહેન્દ્ર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ધરમપૂર્વક ગુરુ વંદના ભરતભાઈ પટેલે રજૂ કરી હતી જ્યારે આભારવિધિ સંસ્થાના ઉપપ્રમુખ ડૉ. રૂપેશ નાકરે નિભાવ્યું હતું.
આ અવસરે સંસ્કાર ભારતીના તમામ હોદ્દેદારો, કલા રસિકો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.