INTERNATIONAL

ઇમિગ્રેશનના વિરોધમાં ઑસ્ટ્રેલિયામાં હજારો લોકોએ ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ રેલીમાં ભાગ લીધો

ઑસ્ટ્રેલિયામાં રવિવારે હજારો લોકોએ ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ રેલીમાં ભાગ લીધો, જેનો મુખ્ય હેતુ મોટા પાયે થઈ રહેલા ઇમિગ્રેશનનો વિરોધ કરવાનો હતો. સરકારે આ આયોજનોને નફરત અને વંશવાદ ફેલાવનારા ગણાવ્યા, જેનો સંબંધ નિયો-નાઝી જૂથો સાથે હોવાનું પણ જણાવ્યું.

આ રેલીઓમાં ખાસ કરીને ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં આવેલા ભારતીયોની સંખ્યા 100 વર્ષમાં આવેલા ગ્રીક અને ઇટાલિયન પ્રવાસીઓ કરતાં વધુ છે, જેને ‘સંપૂર્ણ રિપ્લેસમેન્ટ’ ગણાવવામાં આવ્યું. 2013-2023 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં ભારતીયોની વસ્તી બમણી થઈને 8.45 લાખ થઈ છે.

‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ના આયોજકો દાવો કરે છે કે તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી. તેમનું માનવું છે કે મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવવાથી સમાજની એકતા તૂટી છે અને તેઓ માત્ર ઇમિગ્રેશન રોકવાની માંગ કરે છે.

જોકે, ઑસ્ટ્રેલિયન સરકારે આ રેલીઓને નિયો-નાઝી જૂથો દ્વારા આયોજિત અને સમાજમાં ભાગલા પાડનારા ગણાવ્યા છે. મંત્રી મરે વોટ અને ઑસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસ જેવી સંસ્થાઓએ આ રેલીઓની સખત આલોચના કરી છે અને તેને નફરત ફેલાવનારી ગણાવી છે.

ઑસ્ટ્રેલિયન મંત્રી મરે વોટે ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ રેલીઓને નિયો-નાઝી જૂથો દ્વારા આયોજિત અને નફરત ફેલાવનારી ગણાવીને તેમનો વિરોધ કર્યો. ઑસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસના સીઈઓ કસાંદ્રા ગોલ્ડીએ કહ્યું કે, ‘ઑસ્ટ્રેલિયાની વિવિધતા તેની તાકાત છે, ખતરો નથી અને નફરત માટે કોઈ સ્થાન નથી. વિપક્ષના નેતા જુલિયન લીસરે પણ આ રેલીઓમાં ભારતીય-વિરોધી અને યહૂદી-વિરોધી સંદેશાઓ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી.’

મીડિયા રિપોર્ટ અનુસાર, સિડનીમાં 5,000થી 8,000 લોકો ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ રેલીમાં જોડાયા હતા, જ્યારે નજીકમાં જ Refugee Action Coalition દ્વારા આયોજિત કાઉન્ટર-રેલીમાં સેંકડો લોકો ઉપસ્થિત હતા. કેનબરામાં પણ સો જેટલા લોકો એકઠા થયા હતા. મેલબોર્નમાં થયેલી રેલીમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે પેપર સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો હતો. ક્વીન્સલેન્ડમાં પોપ્યુલિસ્ટ પાર્ટીના નેતા બોબ કેટર પણ રેલીમાં સામેલ થયા હતા.

Back to top button
error: Content is protected !!