દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ખાતે ખાનગી IMA અને આયુષ તબીબો માટે ટીબી વિષયક આધુનિક સેવાઓ અંગે CME યોજાઈ

તા.૨૪.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સાચાર
અજય સાંસી દાહોદ
De bariya:દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ખાતે ખાનગી IMA અને આયુષ તબીબો માટે ટીબી વિષયક આધુનિક સેવાઓ અંગે CME યોજાઈ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલવાતની અધ્યક્ષતામાં ક્ષય (ટીબી)ના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ અંગે સતત મેડિકલ એજ્યુકેશન (CME) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તથા આયુષ તબીબો માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બારીયા અને પીપલોદ વિસ્તારના ખાનગી તબીબોને ટીબી રોગ અંગે અધ્યતન માહિતી આપવામાં આવી.કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે હોસ્પિટલોના રજીસ્ટ્રેશન બાકી છે તે તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. ઉપરાંત દાહોદ જિલ્લામાં વનરેબલ પોપ્યુલેશનના અંદાજે 3.5 લાખ લોકોના એક્સ-રે કરવાના લક્ષ્યાંક અંગે માહિતી આપવામાં આવી, જે કામગીરી હાલમાં ચાલુ હોવાનું જણાવાયું.તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દાહોદ જિલ્લો એવો એકમાત્ર જિલ્લો છે જ્યાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સિકલ સેલ રોગની તપાસ થાય છે. ખાનગી તબીબો તેમના ઓપીડીમાં આવતા દર્દીઓનો આ ટેસ્ટ કરાવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ CME દરમિયાન જિલ્લા ક્ષય અધિકારી દ્વારા દાહોદ અને દેવગઢ બારીયા તાલુકાની વર્તમાન ટીબી સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તેમજ સરકારની વિવિધ માર્ગદર્શિકાઓ અનુસાર ખાનગી તબીબો કેવી રીતે ટીબીના નિદાન અને સારવારમાં સહભાગી બની શકે તે સમજાવવામાં આવ્યું. ડેઇલી રેજીમેન, જિન એક્સપર્ટ, CBNAAT, ટ્રુનાટ, CY-TB ટેસ્ટ તેમજ બી-પાલ રેજીમેન અંગે વિસ્તૃત અને અધ્યતન માહિતી પૂરી પાડવામાં આવી.ભારત સરકારના આરોગ્ય વિભાગના નોટિફિકેશન મુજબ તમામ ટીબી દર્દીઓનું ‘નિક્ષય’ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે જ ‘નિક્ષય મિત્ર’ બની દર્દીઓને દત્તક લેવાના પોષણ અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન તથા ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંગે પણ ચર્ચા કરવામાં આવી.MDR-TBની સારવાર, નિદાન અને ફોલોઅપ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ MDR-TB દર્દીઓને થતી આડઅસરો વિષે પણ ચર્ચા કરવામાં આવી.આ કાર્યક્રમમાં દેવગઢ બારીયા IMAના પ્રમુખ ડૉ. અશોક જોહરી, IMA સેક્રેટરી ડૉ હર્ષદ ચૌહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કલ્પેશ બારીયા સહિત અંદાજે 48 જેટલા તબીબો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ હાજર ડૉક્ટર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




