GUJARATPANCHMAHALSHEHERA

પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત શહેરા તાલુકાના ૩૩,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતો પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત ખોજલવાસા ગામ ખાતે “નીરના વધામણાં” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાનમ જળાશયનું પાણી શહેરા તાલુકાના ૩૧ ગામોના ૬૩ તળાવોમાં પહોંચાડવામાં આવ્યું હતું, જેનાથી આશરે ૩૩,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

વર્ષોથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં સિંચાઈની કોઈ ખાસ સુવિધા ન હોવાથી અનિયમિત વરસાદને કારણે ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. આ નવી યોજનાથી ખેડૂતો હવે બે સીઝન પાક લઈ શકશે જેનાથી તેમની આવકમાં વધારો થશે અને ખેતીમાં થતું નુકસાન અટકશે.

પાનમ જળાશયથી નજીક આવેલા મહેલાણ ગામથી પાણીને ઉદવહન કરીને ખોજલવાસા ગામની ટેકરી પર લિફ્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં પાણીને ૨૩૬ ફૂટ ઊંચે લિફ્ટ કરીને ૭.૦ કિલોમીટર લાંબી પ્રેશર મેઈનલાઈન દ્વારા ૩૧ ગામોના ૬૩ તળાવો સુધી પહોંચાડવામાં આવ્યું છે.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ નાફેડ ન્યૂ દિલ્હી, વિધાન સભાના ઉપાધ્યક્ષ ,શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહીર પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ સાથે મળીને ‘નીરના વધામણાં’ કરી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાવી હતી.

 

આ યોજના માત્ર શહેરા તાલુકા પૂરતી સીમિત નથી. ભવિષ્યમાં ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના ૭૯ ગામોના ૧૧૯ તળાવો પણ આ યોજના હેઠળ ભરવામાં આવશે. આ યોજના આ સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.

Back to top button
error: Content is protected !!