ARAVALLIGUJARATMODASA

મોડાસા રેલવે બાયપાસ પાસે ક્રેટા કાર પલ્ટી, એકનું મોત કારમાં દારૂની પેટીઓ હોવાની ચર્ચાએ શહેરમાં હડકંપ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા રેલવે બાયપાસ પાસે ક્રેટા કાર પલ્ટી, એકનું મોત કારમાં દારૂની પેટીઓ હોવાની ચર્ચાએ શહેરમાં હડકંપ

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના રેલવે ફાટક નજીક આવેલા બાયપાસ માર્ગ પર બુધવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી ક્રેટા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડકાભેર પલ્ટી ખાઈ ખાડામાં ખબકી હતી. અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતના અવાજ સાથે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પણ ઘટનાસ્થળે થંભી ગયા હતા. અકસ્માતની જાણ થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તથા મોડાસા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે તબીબોએ કારચાલકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોડાસા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.અકસ્માત સ્થળે હાજર લોકોમાં કારમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. લોકોના જણાવ્યા મુજબ કારમાં પેટીઓ જેવી વસ્તુઓ જોવા મળી હતી, જેના કારણે દારૂનો જથ્થો હોવાની શંકા ઉઠી છે. જોકે મળતી માહિતી મુજબ અકસ્માતનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર, કારચાલક પોલીસના ડરથી ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યો હોવાની પણ ચર્ચા છે, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી આંતરરાજ્ય અને આંતરજિલ્લા માર્ગો પરથી બુટલેગરો દ્વારા વર્ષો થી કરોડો રૂપિયાનું વિદેશી દારૂ અને નશાયુક્ત પદાર્થો ગાંધીના ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા સતત સામે આવતી રહે છે. જોકે જવાબદાર તંત્ર આ અકસ્માત બાબતે ઝીણવટ ભરી તપાસ હાથ કરે તો લોકોમાં થઈ રહેલી ચર્ચાઓ તેમજ શંકાઓ દૂર થઈ શકવાની સંભાવના સેવી શકાય તેમ છે. જોકે હાલ સમગ્ર મામલો તપાસ નો વિષય બન્યો છે અને પોલીસ ટીમ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું

Back to top button
error: Content is protected !!