GUJARATJUNAGADH

કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને માણાવદર તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો

માણાવદર તાલુકાના સરપંચશ્રીઓએ જિલ્લા કલેકટરશ્રીને લોકપ્રશ્નોની રજૂઆત કરી : પ્રશ્નોના નિરાકરણ અર્થે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપતા કલેકટરશ્રી

જન સમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્રારા લોકપ્રશ્નો અર્થે સરપંચશ્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. જે અન્વયે આજ રોજ માણાવદર ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને માણાવદર તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવાથી જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે જોડાઈ શકશે. ઘણી વાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોનો જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરી શકાતો નથી. ઘણી વખત સમયનો અભાવ હોય છે ત્યારે આ પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જોડાઈ શકે છે. તેમના પ્રશ્નોનો સ્થળ ઉપર જ તાત્કાલિક નિરાકરણ આપી શકાય છે.આ કાર્યક્રમમાં રેકર્ડ નિભાવ યોગ્ય રીતે થાય, રોડ રસ્તાનું રિસરફેસિંગ કરાવવું, જમીન માલિકી, મેટલ રોડ કરાવવા,નાળા પુલીયાનું કામ, ડામર રોડ બનાવવો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આંગણવાડી કેન્દ્રના મકાન બનાવવા, પ્રાથમિક શાળામાં વર્ગ ખંડ બનાવવા, ગૌચરની જમીન, સ્મશાન બનાવવા, રસ્તાઓની માપણી, પીવાનું પાણીનું નિયમિત વિતરણ, ખાતેદાર ખેડૂત, સિંચાઈ યોજનામાંથી કેનાલ બનાવવી, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, પુલ બનાવવા આ સહિતના કુલ ૨૧ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા. આ તકે પ્રાંત અધિકારીશ્રી ગોહિલે જિલ્લા કલેક્ટરશ્રીને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અરવિંદ લાડાણી, મામલતદારશ્રી, તાલુકા કક્ષાના વિવિધ અધિકારીગણ અને કર્મચારીગણ, પદાધિકારીગણ, વિવિધ ગામના સરપંચશ્રીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ જિલ્લાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. લોક કલ્યાણ અને લોક વિકાસના કામો માટે તેઓ સતત નવીન અભિગમ અપનાવતા રહે છે. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ પ્રકારે તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવનાર છે. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા તાલુકાના સરપંચશ્રીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ સૌપ્રથમ વાર મેંદરડા તાલુકામાં યોજાયો હતો જેની રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નોંધ લીધી હતી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની આ નવીન પહેલને બિરદાવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!