ભરૂચમાં ખારવા-માછી સમાજનો સમૂહલગ્ન:18 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, સંતો-મહંતો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ અંબેમાતા વિદ્યાલય, બંબાખાના ખાતે યોજાયો. આ પ્રસંગે 18 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા.
સમાજના અગ્રણીઓએ 2018થી સમૂહલગ્નની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2019, 2020 અને 2023માં સફળ સમૂહલગ્નો યોજાયા. ભાડભૂતથી ઝણોર સુધીના નદી કિનારે વસતા સમાજના લોકોએ આ પ્રસંગ માટે વિશેષ તૈયારીઓ કરી હતી.
કાર્યક્રમમાં દરેક યુગલ માટે અલગ મ્હાયરું, ચોળી અને સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંત સ્વામી લોકેશાનંદજી મહારાજ, શારદાપીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી અને સ્વયં સાંઈરામ ગુરૂજીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.
રાજકીય ક્ષેત્રમાંથી લોકસભા સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર વિધાનસભાના ડી.કે.સ્વામી અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
18 વરરાજાઓની વરયાત્રાએ બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો. આમંત્રિત મહેમાનો અને યુગલોના સગા-સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી. સમાજના દાતાઓએ નવદંપતીઓને ભેટ-સોગાદો અર્પણ કર્યા હતા.