
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં “તમારી મૂડી, તમારો અધિકાર” ઝુંબેશ અંતર્ગત દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા મોડાસામાં જિલ્લા કક્ષાની શિબિર યોજાઈ
કેન્દ્રીય નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવતી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ “તમારી મૂડી, તમારો અધિકાર” અંતર્ગત નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલ થાપણો, વીમા રકમ, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ તથા પેન્શનની રકમ પરત મેળવવા અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આજરોજ જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનું ઉદ્ઘાટન મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ, બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા રિજનલ મેનેજર યશવંતકુમાર પાઠક, આરબીઆઈના ડીજીએમ દેવેન્દ્ર બોંડે, એસએલબીસી ગુજરાતના ડીજીએમ વીણાબેન શાહ, નાબાર્ડના ડીડીએમ મનોજ હરચંદાણી તેમજ જિલ્લાની તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિબિરમાં સ્ટેજ પરથી ૨૪ દાવેદારોને દાવા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા કુલ ₹૩.૧૦ લાખના દાવાઓને મંજૂરી આપવામાં આવી હતી. શિબિરમાં ૩૫૦થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
શિબિરમાં બેંક ઓફ બરોડા, અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત અન્ય નાણાકીય સંસ્થાઓએ પોતાના સ્ટોલ ઉભા કરીને નાગરિકોને જૂના ખાતાઓ, વારસાઈ દાવા તથા અન્ય પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.અતિથિઓએ આ પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા તથા નાણાકીય સમાવેશને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.કાર્યક્રમના અંતે અરવલ્લી જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર નીરજ મહાવરે તમામ મહાનુભાવો, બેંક અધિકારીઓ, મીડિયા અને ઉપસ્થિત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




