₹ 63.94 લાખની ઠગાઇ કેસમાં કાનપુરથી સગીર આરોપી ઝબ્બે

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એનએસઇના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹ 63.94 લાખની છેતરપીંડી કરનાર દંપતી બે મહિના પહેલાં નડીયાદથી ઝડપાયું હતું. ઠગાઇમાં તેમને સાથ આપનાર તેમનો ભત્રીજો પણ ફરાર હતો. ભરૂચના આર કે કાઉન્ટીમાં રહેતા બેરોજગાર એવા ઠગ બ્રિજેશકુમાર શ્રીવાસ્તવ, તેની પત્ની નિશા શ્રીવાસ્તવ અને તેમના ભત્રીજાએ પૂર્વ આયોજીત ગુનાહીત કાવતરું રચી એનએસઇના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. એનએસઇના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી ઈલેકટ્રોનિક ઉપકરણ દ્વારા પોતાની નેશનલ સ્ટોક એક્ષચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી હતી. આ ખોટા દસ્તાવેજો મિત્ર એવા ફરીયાદી યોગેશ જોષીને રૂબરૂ, ઈમેલ તથા વોટસએપ દ્વારા મોકલી છેતરપીડી કરવાના ઈરાદે મિત્રતાના નામે ફરીયાદી યોગેશ જોષી તથા ફરીયદીના ઓળખીતા મિત્રો પાસેથી ₹63.94 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઘટનામાં બે મહિના પહેલાં પોલીસે નડિયાદથી દંપતિને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલો તેમનો ભત્રીજો ફરાર હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીને યુપીના કાનપુરથી ઝડપી પાડ્યો હતો.


