વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખું ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખું ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. જેમાં અનેક ઘર, દુકાનો અને હોટલ તણાઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ગુમ છે. આભ ફાટતાં ધરાલી ગામની નજીક આવેલી ભાગીરથી નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં ગામનું બજાર કાદવ-કીચડમાં દબાઈ ગયું હતું. અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, 10-12 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. જ્યારે 20-25 હોટલ અને હોમસ્ટે તણાઈ ગયા.
દુર્ઘટનાની જાણ થતાં ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી ઝડપથી શરુ કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકાર વચ્ચે રાહત કાર્યોમાં અડચણો નડી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કુદરતી આફત વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, અમે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એસડીઆરએફ, એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ મુખ્યમંત્રી ધામી સાથે વાત કરી ઘટનાની જાણકારી મેળવી છે. તેમજ કેન્દ્ર તરફથી સંભવિત તમામ મદદ કરવાની ખાતરી આપી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 10 ઑગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.
પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. લોકોને નદીઓ-તળાવો તેમજ નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, ગંગોત્રી ધામના રસ્તા પર સ્થિત ધરાલી ગામ પર્યટક સ્થળ છે. વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અપીલ કરી છે. બચાવ ટીમ ગુમ લોકોની શોધ કરી રહી છે. પ્રભાવિત પરિવારોને મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.





