*હિંમતનગરના પોલાજપુર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો*

*આણંદથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલી ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત સાબરકાંઠામાં ૭૯ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત કરાયું*
****
*હિંમતનગરના પોલાજપુર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો*
*****
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચુઅલ ઉપસ્થિતિમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદના ભાદરણ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના પોલાજપુર મુકામે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ટુ-વે-કનેક્ટિવિટી દ્વારા મુખ્યમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગ્રામીણ વિકાસને પ્રાથમિકતા આપી છે. ગ્રામ પંચાયત એ લોકશાહીનું પાયાનું એકમ છે. નવીન પંચાયત ભવનો બનવાથી ગ્રામજનોને તમામ સરકારી સેવાઓ સુવિધાજનક રીતે મળી રહેશે. ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ થકી ગામડાંઓ હવે સુવિધામાં શહેરોની સમકક્ષ બનશે અને ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે.પંચાયત ઘરો આધુનિક બનતા ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા વધશે અને ગ્રામજનોના પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી નિકાલ આવશે. ‘ગામડું બેઠું થશે તો જ દેશ બેઠો થશે’ તે મંત્રને ચરિતાર્થ કરતા આ કાર્યો સાબરકાંઠાના વિકાસમાં નવું સીમાચિહ્ન રૂપ સાબિત થશે.”
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વી ડી ઝાલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આજે છેવાડાના ગામડાઓ ડિજિટલ અને ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહ્યા છે. ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ એ માત્ર ઇમારતો બનાવવાની યોજના નથી, પરંતુ ગ્રામીણ જનતાના સશક્તિકરણનું માધ્યમ છે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યની કુલ 2,066 ગ્રામ પંચાયતોના નવીન ભવનોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાની 79 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પોલાજપુર ખાતે અંદાજે ₹25 લાખના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ,તાલુકા વિકાસ અધિકારીશ્રી,ગામના સરપંચશ્રી,અગ્રણીશ્રી વિજયભાઈ પંડ્યા,સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ તેમજ અમલીકરણ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા






