
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૦૭ જાન્યુઆરી : અમદાવાદના નવજીવન ટ્રસ્ટ ખાતે 2થી 5 જાન્યુઆરી, 2025 સુધી નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ એડિશન-2 નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક અને સાંસ્કૃતિક સંદેશાઓમાં ગાઢ અસર ધરાવતા દેશના વિવિધ ભાગોના ફોટોગ્રાફર્સે આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ અંતર્ગત ધૈર્યકાંત ચૌહાણ ઓલ ઈન્ડિયા ફોટો સ્પર્ધાનું આયોજન થયું હતું. જેની થીમ વેડિગ મોમેન્ટ્સ એટલે કે લગ્નની ક્ષણો એ વિષય ઉપર હતી. આ ફોટો સ્પર્ધામાં દેશમાંથી વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક લગ્નની થીમ આધારિત ફોટોઝની અનેક એન્ટ્રી આવી હતી. જોકે, કચ્છના અંજાર તાલુકાના ફોટોગ્રાફર કરણ આહિરનો રબારી લગ્ન સંસ્કૃતિનો ફોટો આ સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ બીજા ક્રમાંકે પસંદ થયો હતો. કચ્છની રબારી લગ્ન સંસ્કૃતિનો ફોટો વિજેતા થતા કરણ આહિરનું રૂ.25 હજારના રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું છે.






