Rajkot: દિવેલાના પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો

તા.૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેડૂતોએ દિવેલાના પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે જરૂરી બાબતોનું ધ્યાન રાખવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવે છે. છાણિયા અથવા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરવો. દિવેલાના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી. દિવેલાને ઘોડિયા ઈયળના ઉપદ્રવથી બચાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવા માટે દિવેલાનું વાવેતર ઓગષ્ટના પ્રથમ અઠવાડિયા આસપાસ કરવું. દિવેલાના પાકમાં ઘોડિયા ઇયળ અને ડોડવા કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ કાબુમાં રાખવાં કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા. સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો જીસીએચ-૭, જીસીએચ-૮, જીસીએચ-૯ અને જીસીએચ-૧૦ અને મૂળના કોહવારા રોગના નિયંત્રણ માટે જીસીએચ-૨ અથવા જીસીએચ-૬ની વાવણી માટે પસંદગી કરવી. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું. દિવેલાના મૂળખાઈ અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિલો ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર ૫૦૦ કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિશ્ર કરી વાવતા પહેલાં ચાસમાં આપવું. બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ ૩ ગ્રામ પ્રતિ કિલો પટ આપી વાવણી કરવી.
આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


