
પ્રતિનિધિ:ઓડ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ઓડની કોલેજ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે આજે રાત્રીના આઠ સાડા આઠેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતા ડમ્પરે ટેમ્પીને ટક્કર મારતા એકનું સ્થળ પર જ કમકમાટીભર્ય મોત થયું હતુ. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે એકત્ર થયેલા ગ્રામજનોએ ડમ્પરમાં આગ લગાવી દેતાં અફડાતફડીભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રીગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.અકસ્માતની મળતી વિગતો અનુસાર આજે રાત્રીના સુમારે એક ટેમ્પીમાં ગુલાબના ફુલો ભરીને રણછોડપુરાના રણજીતભાઈ ડાહ્યાભાઈ ઠાકોર (ઉ.વ.૪૦)અને મયુરભાઈ મોહનભાઈ ઠાકોર ઓડની કોલેજ પાસે આવેલા પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ડમ્પરે ટક્કર મારતાં ટેમ્પીનો લોચો વળી જવા પામ્યો હતો. જેમાં રણજીતભાઈ અને મયુરભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. રણજીતભાઈ ટેમ્પીમાં જ ફસાઈ જવા પામ્યા હતા.અકસ્માત થતાં જ ડમ્પરનો ચાલક ડમ્પરને ત્યાં મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તુરંત જ દોડી આવ્યા હતા અને ડમ્પરની ડ્રાયવરની કેબિનમાં સળગતો કાકડો નાંખીને આગ લગાવી દીધી હતી. જેને લઈને રોડ બ્લોક થઈ જવા પામતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં જ પીઆઈ વી. આર. આલ્વા પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડીને તુરંત જ ફાયરબ્રીગેડને જાણ કરતા ફાયરબ્રીગેડની ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત બંને વાહનોને રોડ પરથી હટાવીને જામ થઈ ગયેલો ટ્રાફિક ક્લીયર કર્યો હતો. પીઆઈ અલ્વાના જણાવ્યા અનુસાર ડમ્પરની કેબિનનો ભાગ સળગી જવા પામ્યો છે. અકસ્માતમાં એકનું મોત થયું છે અને એકને ઈજાઓ થતાં હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળે એકત્ર થયેલા ગ્રામજનોને સમજાવીને પરત મોકલી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે.





