ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે
ગુજરાતમાં હવે જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી 01 સપ્ટેમ્બર, 2025થી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત E-olakh Applicationને બદલે હવે કેન્દ્ર સરકારના CRS (Civil Registration System) Portal પર કરવાની રહેશે. આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ પોર્ટલ બપોરના 12 વાગ્યાથી કાર્યરત થશે.
આ નવું પોર્ટલ જન્મ અને મરણના બનાવોની નોંધણીને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવશે. આ નવા ફેરફારને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે જિલ્લા અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજિસ્ટ્રારને રાજ્ય કક્ષાએથી ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સરકારી અને ખાનગી હૉસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવાની તાલીમ પૂરી પાડવામાં આવી છે.
જ્યારે આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તેને લઈને ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખવામાં આવશે અને જો કોઈ પ્રશ્નો ઊભા થશે તો તેનું સમાધાન પણ કરવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં કાર્યરત તમામ હૉસ્પિટલોને CRS પોર્ટલ સાથે જોડવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત રજિસ્ટ્રારો દ્વારા જાહેર રજાના દિવસે, 31મી ઑગસ્ટ, 2025ના રોજ પણ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. આ પગલાંનો હેતુ એ છે કે નાગરિકોને નવી સિસ્ટમ અપનાવવામાં કોઈ અગવડ ન પડે અને સચોટ ડેટા એકત્ર કરી શકાય. આ પરિવર્તનથી જન્મ અને મરણના રૅકોર્ડ્સનું સંકલન વધુ કેન્દ્રિત અને કાર્યક્ષમ બનશે, જે ડેટા મેનેજમેન્ટ અને નાગરિકો માટેની સેવાઓમાં સુધારો લાવશે.