GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં જામકંડોરણાના રાયડી ગામે નારી સંમેલન યોજાયું

તા.૨૦/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અંદાજે ૨૦૦ મહિલાઓને યોજનાઓ તથા સહાય અંગે અપાયું માર્ગદર્શન

Rajkot: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જામકંડોરણાના રાયડી મુકામે નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી જામકંડોરણા દ્વારા મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાયત પ્રમુખ શ્રી રંગાણીએ જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગી શકતી નહોંતી. આજે આ સ્ત્રીઓ ઉંબરો નહીં પૃથ્વી વળોટી નવી દિશામાં આગળ વધી રહી છે. સ્ત્રીઓમાં સુષુપ્ત શકિતઓ રહેલી છે પરંતુ તે તેઓની અંદર રહેલા ડરથી પર બન્યા બાદ જ બહાર આવશે. સ્ત્રીઓએ પોતાની શક્તિઓનું સમાજના હિતમાં યોગદાન આપવું જોઈએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સશક્ત બનાવવા ભ્રૂણ હત્યા નાબૂદીથી માંડી તેમને આર્થિક સશક્ત બનાવવા સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશ તો જ મજબૂત બનશે, જો તેનું ભાવિ ઘડતર કરનાર મહિલાઓ મજબૂત હશે, આ માટે જ તમામ મહિલાઓને પોતાની શક્તિઓને જાણી જાગૃત બનવા સંકલ્પ લેવા પંચાયત પ્રમુખશ્રી રંગાણીએ અપીલ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી લીલાબેન ઠુંમરે મહિલાઓને નિ:સંકોચ બની આગળ વધવા સાથે ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા આહવાન આપ્યું હતું. તો મહિલા અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રી કંચનબેન બગડાએ હળવી શૈલીમાં મહિલાઓને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ કોઈ પણ પરિસ્થિતિમાં સંઘર્ષ, સહજતા અને કુનેહથી તમામ કાર્ય પાર પાડી શકે છે ત્યારે ભવિષ્યની પેઢીને તૈયાર કરવામાં દીકરીઓને શિક્ષણ આપી તેમને ઉન્નત શિખરે પહોંચાડવા માટે આજની મહિલાઓએ યોગદાન આપવું જોઈએ.

સંમેલન ખાતે ૧૮૧ અભયમ હેલ્પલાઇનના શ્રી લતાબેન ચૌધરીએ હેલ્પલાઇન વિશે માહિતી આપી, એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલરશ્રીએ તમામ સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી. જામકંડોરણા તાલુકાના નારી અદાલતના કો-ઓર્ડીનેટર શ્રી મિતલબેન કંડોરીયાએ સ્ત્રીઓના આધુનિક સ્વરૂપ વિષે જણાવી સ્ત્રી પુરુષ સમાનતા, કામકાજના સ્થળે સ્ત્રીઓની સુરક્ષા, નારી અદાલતની કામગીરી અને ન્યાયિક પ્રક્રિયા વિશે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગીતાબેન ટીલાળા, જામકંડોરણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મીરાબેન દેસાઈ, ઉપપ્રમુખશ્રી વિજયદાન માવળ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જ્યોત્સનાબેન પાનસુરીયા, જામકંડોરણા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ સાવલિયા, સરપંચ શ્રી લીલાવંતીબેન રાણપરીયા, સમાજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન શેરસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અલ્પેશભાઈ ગોસ્વામી, અગ્રણી શ્રી જયંતીભાઈ પાનસુરીયા, સુરેશભાઈ દેસાઈ, કાંતિભાઈ રાણપરીયા,મનિષાબેન બાલધા સહિત અંદાજે ૨૦૦ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!