ડેડીયાપાડા ઇનરેકા સંસ્થાન ખાતે કૃષિ અંગે પાંચ દિવસીય તાલીમ યોજાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/05/2025 – ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, નર્મદા દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમ ઇનરેકા સંસ્થાન, દેડીયાપાડા ખાતે તા.૧૨થી ૧૬ મે-૨૦૨૫ દરમિયાન યોજાઈ હતી. આ તાલીમમાં વિવિધ વિષયોને આવરી લઈ દેડીયાપાડા અને સાગબારા તાલુકાના નોન મિશન કલસ્ટરના કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનને તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમમાં નર્મદા જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી ડી. કે. શિનોરાએ પ્રાકૃતિક ખેતીનો હેતુ, જરૂરિયાત અને પ્રાકૃતિક ખેતીના ફાયદા, ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ તથા કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનની મહત્વપુર્ણ ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મદદનીશ ખેતી નિયામકશ્રી સી.એલ.ચૌધરીએ આચ્છાદાન, વાફસા તથા પાક સંરક્ષણના વિવિધ અસ્ત્રો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર શ્રી બી. વાય. પંચોલીએ ઓર્ગેનિક ખેતી તથા પ્રાકૃતિક કૃષિ વચ્ચેનો તફાવત તથા મિશ્ર પાક પધ્ધતિ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. નિવૃત પ્રો.ડૉ ઝવેરભાઇ ઢિંમર દ્વારા દેશી બિયારણ તથા તેનું વાવેતર, મધમાખી પાલન અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આસી. ટેકનોલોજી મેનેજર શ્રી આર. પી. મીસ્ત્રી, શ્રી એ. એમ. વસાવા તથા શ્રી જે. જી. બારીયાએ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત તથા પ્રાકૃતિક કૃષિમાં વપરાતા નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
ઇનરેકા સંસ્થાન દેડીયાપાડા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નોન મિશન કલસ્ટરના ૩૪ કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સન સક્રિય રીતે ભાગ લઈ માર્ગદર્શન મેળવી રહ્યા છે. ભાગ લેનાર તમામ કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનને તાલીમના અંતે પ્રાકૃતિક કૃષિની પાંચ દિવસીય તાલીમમાં ભાગ લઇ સફળતા પુર્વક પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા બદક પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.