GUJARATKUTCHMUNDRA

શંખેશ્વરમાં ‘શ્રી જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા ગ્રંથ’નું ભવ્ય વિમોચન: ભારતમાં સૌ પ્રથમવાર મલ્ટી-કલર આવૃત્તિ! 

વાત્સલ્યમ્ સમાચાર,

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.

 

શંખેશ્વરમાં ‘શ્રી જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા ગ્રંથ’નું ભવ્ય વિમોચન: ભારતમાં સૌ પ્રથમવાર મલ્ટી-કલર આવૃત્તિ! 

 

શંખેશ્વર, ગુજરાત – પવિત્ર શંખેશ્વર મહાતીર્થ ખાતે આવેલા જહાજ મંદિર એન્કરવાલા ધામમાં તાજેતરમાં એક અદ્ભુત અને મહત્વપૂર્ણ આધ્યાત્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૫૦મા (ગોલ્ડન જ્યુબિલી) દીક્ષા દિનના શુભ અવસરે ‘શ્રી જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા ગ્રંથ’નું વિમોચન કરવામાં આવ્યું.

આ ગ્રંથ શાસ્ત્રીય સંગીત વિશારદ, ભક્ત કવિ અને પ્રખર સંગીત તજજ્ઞ શ્રી આશિષભાઈ મહેતા દ્વારા સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી આશિષભાઈ મહેતાએ અમદાવાદમાં રહીને પોતાના સંગીત થકી દેશ-વિદેશમાં ભક્તિની સુગંધ પ્રસરાવી છે.

 

🙏 સંત-સતીજી ભગવંતોના શુભ સાનિધ્યમાં વિમોચન :

આ ગ્રંથનું વિમોચન ‘શ્રી અર્હદ મહાપૂજન’ અંતર્ગત મૌનવરિષ્ઠ મુનિશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ એવં સાધ્વીજી ભગવંતો સુનંદિતાશ્રીજી મ.સા, કૃતિનંદિતા શ્રીજી મ.સા, અર્હમનંદિતા શ્રીજી મ.સા, અને અમીવર્ષાશ્રીજી મ.સાના શુભ સાનિધ્યમાં થયું હતું. વિમોચન બાદ પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબને આ ગ્રંથ આદરપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો.

 

📜 ‘જ્ઞાનસાર’ ગ્રંથની અભૂતપૂર્વ વિશેષતાઓ 

 

આ ગ્રંથ ષડદર્શન શાસ્ત્રવેત્તા મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની ૩૫૦ વર્ષ પૂર્વેની અનુભૂતિની અમૃતવાણીના સુવર્ણ પૃષ્ઠોને સમાવે છે. શ્રી આશિષ મહેતાએ ૭૩૦ દિવસની મહેનતથી તૈયાર કરેલી આ આવૃત્તિની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે:

 * નવીનતા: આ ગ્રંથ ભારતમાં સૌ પ્રથમવાર મલ્ટી (ફોર) કલરમાં પ્રકાશિત થયેલો જૈન સમાજનો પ્રથમ ગ્રંથ છે.

 * સામગ્રી: ૫૦૦ પાનાનો આ ગ્રંથ જૈન સમાજના તમામ ગ્રંથોનો નિચોડ છે, જે સાધકને આત્મિક આનંદની અનુભૂતિ સુધી પહોંચાડે છે.

 * બત્રીશી ગાન: ‘જ્ઞાનસાર’ના ૩૨ અષ્ટકનું ગુજરાતી અને હિન્દીમાં મહાગાન કરવામાં આવ્યું છે.

 * ત્રિ-ભાષા શ્રુતભક્તિ: મૂળ ગ્રંથનું ગાન સ્વરૂપ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ‘શ્રુતભક્તિ’ સ્વરૂપે શ્રોતાઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે, જે અધ્યાત્મ જગતમાં એક અનુપમ ઘટના છે.

આ પ્રસંગે મુંબઈ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિત વિવિધ પ્રદેશોમાંથી ગુરુભક્તો, સામાજિક, આધ્યાત્મિક અગ્રણીઓ તેમજ પ્રશાસનના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!