ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે ખારવા અને માછી સમાજે ખોલ્યો મોરચો, ભરૂચ જિલ્લાના સમસ્ત ખારવા સમાજ તેમજ હાંસોટી માછી સમાજે જન આક્રોશ રેલી કાઢી આવેદન પાઠવ્યું..
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના શુકલતીર્થ ખાતે મેળામાં 15 મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નિપજ્યા હતાં. જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેજીજીંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો કર્યા હતા.જેના 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરાઈ હોય પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફ.આઈ.આર નોંધવા સાથે મૃત્યુ પામનારના પરિવારોને વળતર ચુકવવાની માંગ સાથે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચના શુકલતીર્થ ખાતે 15 મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો. આ મેળામાં વેજલપુર વિસ્તારના બે પરિવારના લોકો શુકલતીર્થ મુકામે શ્રાધ્ધ વિધિ માટે ગયેલા હતા. જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા-પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા. જ્યારે તેના એક દિવસ પહેલા પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યકિત પાણીમાં ડુબીથી મોતને ભેટયો હતો.જોકે આ ઘટનાએ બન્યાને 18 દિવસનો સમય વીત્યો હોવા છતાંયે ગેરકાયદેસર રેતી ખનન માફીયાઓ સામે કોઇ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહિ કરાઈ હોય સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જેના વિરોધમાં ગુરૂવારના રોજ વેજલપુર બંમ્બાખાનાથી બાઈક પર જનઆક્રોશ રેલી યોજીને આરડીસી એન.આર.ધાંધલને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી કે, શુકલતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નાહવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે. પરતું આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા મોય બોર્ડ લગાવવા મા આવેલ નહોતા, પાણીમાં કોઈ લેખિત સુચનાનુ કોઈ બોર્ડ નહોતુ, ચેતવણી રૂપી લાલ ઝંડીઓ,લાકડીના ખુટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવેલા ન હતા. તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય,તેમજ શુકલતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણી રૂપી કોઈ સુચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઈન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામેલી છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવેલ છે.
જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માગ કરી હતી.