ગુજરાત સરકાર અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના કુલ-૫૦ મીડિયાકર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો*
ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ નવસારી જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ સ્ક્રિનિંગ કાર્યક્રમનું આયોજન રેડક્રોસ ભવન,નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં કુલ-૫૦ જેટલા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે રેડક્રોસ શાખા નવસારીના ચેરમેનશ્રી તુષારકાન્ત દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમને વધાવી લેવામાં આવ્યો છે. રેડક્રોસ સમાજમાં નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. રેડ ક્રોસ અને મીડિયાકર્મીઓ બંને સમાજ માટે કામ કરે છે. આથી લોકશાહીનો ચોથો સ્થંભ મજબૂત અને સ્વસ્થ રહે તે ખુબ જરૂરી છે.
આ પ્રસંગે મીડિયાકર્મીઓ પૈકી એક શ્રી મિનેશ ટેલરએ આ બાબતે પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારશ્રી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ખુબ સરસ કામ છે. નવસારી જિલ્લાના પત્રકાર મિત્રોએ આજે આ કેમ્પનો લાભ લઇ ખુબ જ સારી લાગણી અનુભવી છે.
ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓએ સરકારશ્રી દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી થઇ ખુશી વ્યક્ત કરી હતી.
નોંધનિય છે કે, ભારત સરકારના “ફીટ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત “ફીટ ઇન્ડિયા, ફીટ મિડિયા” ના થીમ સાથે આ કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે. હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ કાઉન્ટ,બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન,લિપિડ પ્રોફાઈલ, કીડની ફંકશન ટેસ્ટ,સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ,હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ,થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ (ટી એસ એચ ). આ ઉપરાંત વિટામિન બી૧૨,વિટામીન ડી, ડાયાબિટીસ માટેના ટેસ્ટ ,50 થી વધુ ઉંમરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, 35 થી વધુ ઉમરના માટે ચેસ્ટ એક્સ રે( PA view) ,ઇસીજી (ECG )તથા 35 થી વધુ ઉમરની મહિલાઓ માટે કેન્સરને લગતી મેમોગ્રાફી ટેસ્ટ તથા સર્વાઇકલ કેન્સરને લગતી PAP smear ટેસ્ટ જેવા પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના ઈંચા.સહાયક માહિતી નિયામકશ્રી સંજયભાઈ પટેલ તથા જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ, રેડક્રોસ સોસાયટીના તમામ કર્મયોગીઓના સંનિષ્ઠ પ્રયાસોના પરીણામે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમમાં રેડ ક્રોસ નવસારીના એડમિનિસ્ટ્રેટર ડો. નરેશ ધનાણી, માનવમંત્રી ડૉ.ધર્મેશ કાપરીયા, રેડ ક્રોસ નવસારીના મેડિકલ સ્ટાફ, સહીત વિવિધ માધ્યમના મીડિયાકર્મીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવી લીધો હતો.