ભરૂચમાં સિનિયર સિટિઝન પાસેથી 15 હજારની ચોરી:રીક્ષામાં પેસેન્જર બનીને બેઠેલી ગેંગ ઝડપાઈ, 75 હજારનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એ ડિવિઝન પોલીસે સિનિયર સિટિઝન પાસેથી રૂપિયાની ચોરી કરનારી ત્રણ શખ્સોની ગેંગને ઝડપી પાડી છે. 15મી ફેબ્રુઆરીએ શંકર મંગળદાસ મહેતા નામના વૃદ્ધ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક રિક્ષા ચાલકે તેમને બેસાડ્યા હતા. રિક્ષામાં પહેલેથી બે શખ્સો બેઠેલા હતા, જેમણે વૃદ્ધના ખિસ્સામાંથી 15 હજાર રૂપિયા ચોરી કર્યા હતા.
પોલીસે VISWAS પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરાની મદદથી રિક્ષાનો નંબર શોધી કાઢ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન શહેરની નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસેથી આ રિક્ષા મળી આવી હતી. પોલીસ તપાસમાં સુરત માંગરોલના કાદર અબ્દુલભાઈ શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળના મક્સુદ યાકુબભાઈ પટેલ અને ભરૂચ શરપુરાના રિઝવાન અબ્દુલવહાબ ખલીફાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 50 હજારની કિંમતની રિક્ષા, ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 10,500 રૂપિયા અને રોકડા 15,100 રૂપિયા મળી કુલ 75,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી લીધી છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.