
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની માણેકબા સોસાયટીમાં મધ્યરાત્રીએ ચોર ટોળકી ત્રાટકી, ચોરીનો પ્રયાસ નિષ્ફળ – ચડ્ડી-બનિયન ધારી ચોર ટોળકી સક્રિય
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફરી એકવાર તસ્કરો સક્રિય બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરની માણેકબા સોસાયટી વિસ્તારમાં ગત મધ્યરાત્રિના સમયે ચડ્ડી-બનિયન ધારી ચોર ટોળકી ત્રાટકતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો
મળતી માહિતી મુજબ તસ્કરોએ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનનો ગેટ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો. ભાડે આપવામાં આવેલ અને હાલ બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ગભરાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.ઘટનાની સમગ્ર હિલચાલ સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિકોમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે એક માસ અગાઉ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ તસ્કરોએ પરિવારને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને કારણે ટાઉન પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.હાલ ટાઉન પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.





