વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪ ના ઉદ્ઘાટન માટે પધારેલા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે શરૂ થયેલા ખેલ મહાકુંભ જેવા રમતોત્સવમાંથી અમૂલ્ય ખેલ પ્રતિભાઓ, રાજ્ય અને દેશને પ્રાપ્ત થઈ છે તેમ જણાવ્યું હતું.
સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓ સાથે સંવાદ સાધતા મંત્રીશ્રીએ, શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓ માટે રહેલી આગળ વધવાની તકો, યોજનાઓ, અને ખેલાડીઓ માટે વિવિધ નોકરીની તકોની પણ જાણકારી આપી હતી. પ્રવાસન મંત્રીશ્રીએ મેઘ મલ્હાર પર્વની સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની પણ મુલાકાત લીધી હતી.
આ વેળા ડાંગ જિલ્લાના બાળકો, ખેલાડીઓમાં રહેલી અખૂટ પ્રતિભાને બહાર લાવવાનો અવસર વિવિધ રમત મહોત્સવ થકી પ્રાપ્ત થાય છે તેમ જણાવતા પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તીરંદાજી પણ કરી હતી.
આ વેળા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ડાંગના ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, મેનેજીંગ ડિરેક્ટર સુશ્રી એસ. છાકછુઆક, કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હોકી, આર્ચરી, એથ્લેટીક્સ, વોલીબોલ, કબ્બડી, ખો-ખોની રમત માટે મલ્ટી પર્પસ હોલ અને બેડમિન્ટન હોલ ઉપલબ્ધ છે. અહીં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ ૮૪ ખેલાડીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા છે. જેમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ માં હોકીમાં ૧૦ ખેલાડીઓ, આર્ચરીમાં ૪ ખેલાડી, અને એથલેટીક્સ રમતમાં ૧ ખેલાડીએ, નેશનલ કક્ષાએ ભાગ લીધો છે.
આ વર્ષે ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાની હોકીની બહેનોની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તથા ખેલ મહાકુંભની આર્ચરી રમતમાં રાજ્યકક્ષા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં ૨ ગોલ્ડ મેડલ,વ૭ સિલ્વર મેડલ, અને ૩ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ ઉપરાંત એથ્લેટીક્સ રમતમાં ૧ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવી, આ ખેલાડીઓએ ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. હાલમાં અહીં દેવગઢબારિયા એથલેટીક્સ રમતની એકેડમીના ખેલાડીઓ પણ તાલીમ લઇ રહ્યા છે .
*સાપુતારા રમત સંકુલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ*
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકના સાપુતારાનું જિલ્લા રમત સંકુલ, ૧૫ એકરમાં બનાવવામાં આવ્યું છે. જેમાં, ૪૦૦ મીટર સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ (પ્રેક્ટીસ), ઇન્ડોર મલ્ટિપર્પઝ હોલ (જુડો, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ), ઇન્ડોર બેડમિન્ટન હોલ, ઓફીસ બિલ્ડિંગ, ૧/૪ એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ, ૧૫૦ ખેલાડીઓની ક્ષમતા ધરાવતી ચાર મજલાની હોસ્ટેલ બિલ્ડિંગ, ખો-ખો કોર્ટ (બે), કબડ્ડી કોર્ટ (બે) અને વોલીબોલ કોર્ટ (બે) ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.