GUJARATSINORVADODARA

શિનોર તાલુકાના સાધલી –ટીમ્બરવા માર્ગ પર આવેલા રાજગોર ફાર્મ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી–ટીમ્બરવા માર્ગ પર આવેલ રાજગોર ફાર્મ ખાતે માનવ સેવા કાર્યોના ભાગરૂપે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન શ્રી સ્વામીનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ SVG દ્વારા ધ્વનિ બ્લડ સેન્ટર વડોદરા ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
ભગવાન સ્વામીનારાયણ દ્વારા ધોલેરા ખાતે શ્રી મદનમોહનજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતા દેશ-વિદેશમાં વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના અનુસંધાનમાં રાજ્યના અનેક જિલ્લાઓ તેમજ મુંબઈ અને પૂના શહેરોમાં એક જ દિવસે મહા રક્તદાન કેમ્પો યોજાયા હતા.
સાધલી ખાતે યોજાયેલા આ કેમ્પમાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો અને મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું. માનવતાની સેવા માટે સૌએ ઉત્સાહ અને સમર્પણ સાથે સહભાગિતા નોંધાવી હતી.
આ પ્રસંગે શિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મયુરભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ (આનંદી), દીપકભાઈ પટેલ, પ્રિયંક પટેલ, જયેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તથા લક્ષ્મી નારાયણ યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે તમામ સેવાભાવી કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!