રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
અદાણી ફાઉન્ડેશન અને અદાણી સોલાર પ્લાન્ટ મુંદરાના સહયોગથી નવરાત્રીની ભવ્ય ઉજવણી
મુંદરા, તા. 1 : અદાણી ફાઉન્ડેશન અને અદાણી સોલાર પ્લાન્ટ મુંદરાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નવરાત્રી રાસ-ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી સોલાર પ્લાન્ટના પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્લાન્ટમાં કાર્યરત મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ કર્મચારીઓને કાર્યસ્થળે પણ ઘર જેવું વાતાવરણ પૂરું પાડવાનો અને તહેવારોની ખુશી સૌ સાથે મળીને વહેંચવાનો હતો.
આ રાસ-ઉત્સવમાં રાસ-ગરબાની સાથે સુંદર વસ્ત્ર પરિધાનની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને ગરબાની રમઝટથી સમગ્ર વાતાવરણ જીવંત બની ગયું હતું. જાણે જગદંબાઓ સ્વયં રાસ રમી રહ્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
આ પ્રસંગે શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન અને ગરબા સ્પર્ધામાં પ્રથમ દસ ક્રમાંકે વિજેતા બનેલી બહેનોને વિશિષ્ટ સન્માન સાથે ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાગ લેનાર અન્ય બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોલાર પ્લાન્ટના હેડ શ્રી વરુણ કુમાર ઠાકુર અને અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ શ્રીમતી પંક્તિબેન શાહના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટીમે સઘન પ્રયાસો કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત સોલાર પ્લાન્ટના નીલેશ પંચાલ, લલિત ભાકુની અને સિક્યુરિટી હેડ આલોક કુમારના વરદ હસ્તે બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આશરે ૨૫૦થી વધુ મહિલા કર્મચારીઓએ આ રાસ-ઉત્સવમાં ભાગ લીધો હતો. ભાગ લેનાર બહેનોએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને કાર્યસ્થળે નહીં, પરંતુ પોતાના પરિવાર સાથે ઘરમાં જ તહેવાર ઉજવી રહ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. આ પ્રકારના આયોજનોથી કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને કાર્યસ્થળે સકારાત્મક માહોલનું નિર્માણ થાય છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com