
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી!
હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં શંખેશ્વર તીર્થમાં ધર્મમય માહોલ
રતાડીયા : જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર, કલિકાલ કલ્પતરું, પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનો પાવન અવસર માગસર વદ દશમના દિવસે વિશ્વપ્રસિદ્ધ શંખેશ્વર મહાતીર્થ ખાતે ધર્મમય વાતાવરણમાં ઉજવાયો. ભારતભરના ખૂણે-ખૂણેથી હજારો ભાવિકોએ આ અવસરે ઉપસ્થિત રહીને પ્રભુની ભક્તિ કરી હતી.
અઠ્ઠમ તપની આરાધનાનું અનેરું માહત્મ્ય
આ પાવન પ્રસંગે દેશભરમાંથી હજારો ભાવિકો અઠ્ઠમ તપની આરાધના કરવા પધાર્યા હતા. આ કઠિન તપમાં આરાધકો ત્રણ દિવસ ઉપવાસ કરે છે, જેમાં માત્ર સૂર્યાસ્ત સુધી જ ઉકાળેલું પાણી પીવામાં આવે છે. શાસનના ધુરંધર આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓ અને વૃદ્ધોજનોએ પણ ભક્તિ ભાવ સાથે અઠ્ઠમ તપ કરી આત્માનું કલ્યાણ કર્યું.
મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના જણાવ્યા અનુસાર: “શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકની આરાધના કરવાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય છે.” તેમણે અઠ્ઠમ તપના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, “અઠ્ઠમ તપના કારણે શરીર શુદ્ધિની સાથે મનની શુદ્ધિ થાય છે, જેનાથી પરમાત્માના સ્મરણ અને ધ્યાનમાં વિશેષ એકાગ્રતા આવે છે અને શુભ પવિત્ર ભાવો ઉલ્લાષિત થાય છે.”
ભક્તિ, પૂજા અને ધૂનનો ત્રિવેણી સંગમ
આ ત્રણ દિવસ દરમિયાન ભાવિકોએ આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં ઉત્સાહપૂર્વક વિવિધ પૂજાઓ કરી:
* પૂજા-અર્ચના: પક્ષાલ પૂજા, કેસર પૂજા, ફૂલ પૂજા, ધૂપ પૂજા, દીપક પૂજા, નૈવેધ પૂજા, ફળ પૂજા, અને અક્ષત પૂજા.
* આરતી-મંગળ દીવો: સવાર-સાંજની આરતી અને મંગળ દીવો કરવામાં આવ્યો.
* ભક્તિ: રાત્રે મોટી સંખ્યામાં ભાવિકોએ ભક્તિ ગીતો દ્વારા ભક્તિની મસ્તીમાં તરબોળ બની કર્મોનો ક્ષય કર્યો. “એક જન્મ્યો રાજ દુલરો…” ના નાદ સાથે આખું તીર્થ ઝૂમી ઉઠ્યું હતું.
* અંગ રચના: શંખેશ્વર તીર્થની વિવિધ ધર્મ સંસ્થાઓમાં પરમાત્માની મનોહર અંગ રચનાઓ કરવામાં આવી હતી.
સમગ્ર અવસર દરમિયાન સૌ ભાવિકોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગ પૂર્વક પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી રંગેચંગે અને હર્ષની લાગણી સાથે કરીને આત્માના કલ્યાણનો માર્ગ અપનાવ્યો હતો.
સમાચાર મોકલનાર:
જૈનમુની નયશેખર મહારાજ સાહેબ,
શંખેશ્વર જૈન તીર્થ


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



