
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં તેજસ્વિની સંસ્કૃતિધામ વાસુર્ણા ખાતે તાજેતરમાં ગુરુપૂર્ણિમાની દ્વિદિવસીય ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ અનોખા કાર્યક્રમમાં બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સત્સંગ અને દીક્ષા સમારોહ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.પૂજ્ય હેતલ દીદીએ સત્સંગ દરમિયાન જણાવ્યું કે દરેકના જીવન ઘડતરમાં મુખ્યત્વે પાંચ ગુરુઓનું મહત્વ હોય છે: માતા-પિતા, ગુરુજનો, શાસ્ત્ર, પ્રકૃતિ અને અંતઃકરણનો અવાજ. તેમણે ભારપૂર્વક કહ્યું કે પ્રકૃતિ જ પરમાત્મા છે અને પ્રકૃતિની પૂજા એટલે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન એ જ સાચું ગુરુપૂજન છે. આ ઉપરાંત, માતા-પિતાની સેવા કરવી, પ્રમાણિત શાસ્ત્રોનું વાંચન કરવું અને અંતઃકરણનું ધ્યાન ધરવુ એ પણ ગુરુપૂજન સમાન છે.દીદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે જીવનમાં ગુરુ અનેક હોઈ શકે છે, પરંતુ સદગુરુ એક હોય છે. તેમણે ઉપસ્થિત ભક્તજનોને “તું જ તારો ગુરુ થા” નો સંદેશ આપતા જણાવ્યું કે તેમની ભીતરનો આત્મા જ તેમનો સાચો સદગુરુ છે.ગુરુપૂર્ણિમાના આ પવિત્ર દિવસે પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ડાંગના પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશેષ રૂપે, મહારાષ્ટ્રથી નાસિક અને પુણેથી આવેલા કૃષ્ણાકુમાર, હિતેશભાઈ અને માયાબેનના નેતૃત્વ હેઠળ પરંપરાગત ઢોલ અને શક્તિ પ્રદર્શન દ્વારા પૂજ્ય દીદીનું સન્માન કરવામાં આવ્યુ હતું.બે દિવસ દરમિયાન અનેક ભક્તજનોએ પધારીને પૂજ્ય દીદીના કરકમલોથી વૈદિક શુદ્ધિકરણ કરાવી દીક્ષા ગ્રહણ કરી હતી.ત્યારબાદ સમગ્ર સનાતન ધર્મની ચર્ચા કરવામાં આવી. 





