
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુન્દ્રામાં શ્રી મહાવીર સ્વામી જિનાલયની ૧૩મી સાલગીરી નિમિત્તે ભવ્ય ધજારોહણ મહોત્સવ ઉજવાયો
મુન્દ્રા,તા.3: મુન્દ્રાના મુખ્ય બજારમાં બિરાજમાન ખરતરગચ્છ જૈન સંઘ સંચાલિત શ્રી મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની ૧૩મી સાલગીરીનો મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય શ્રી જયાનંદ મુનિ મહારાજ સાહેબ તથા ગણાવિશ પરમ પૂજ્ય કુશલ મુનિજી મહારાજ સાહેબના પાઠવવામાં આવેલા આશીર્વાદ સાથે યોજાયેલા આ પ્રસંગે સમગ્ર મુન્દ્રા જૈન સમાજમાં ભારે ઉલ્લાસ જોવા મળ્યો હતો. સાલગીરી નિમિત્તે જિનાલયને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું જેના કારણે વાતાવરણમાં જાણે પ્રતિષ્ઠા મહોત્સવ જેવો ભવ્ય નજારો જોવા મળ્યો હતો.
આ મહોત્સવના પ્રારંભે ભુજના પ્રસિદ્ધ વિધિકાર દીપકભાઈ કોઠારીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ૧૮ અભિષેકની વિધિ સંપન્ન કરાવી હતી. આ તકે તેમણે ધજાનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જિનાલયના શિખરે લહેરાતી ધજાના દર્શન કરવાથી ભાવિકોને પુણ્યશાળી ફળની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક કાર્યક્રમોની પરંપરામાં પાશ્વ મહિલા મંડળ દ્વારા પ્રભાતિયા અને સનાત્ર પૂજા ભણાવવામાં આવી હતી જ્યારે માંડવીના નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ ૧૭ ભેદી પૂજા દ્વારા ભક્તિની રંગત જમાવી હતી. ગઢસીસાના સંગીતકાર નિકેશ દેઢીયા એન્ડ પાર્ટીના સૂરતાલે શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભગવાન મહાવીર સ્વામીની નયનરમ્ય ‘હીરા જડિત આંગી’ રહી હતી. ચંદ્રકાંતભાઈ પૂજારી દ્વારા ડાયમંડના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલી આ અદભૂત આંગીના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી લાઈનો લાગી હતી. આ પ્રસંગે વિવિધ ધજાઓના લાભાર્થી પરિવારોએ ભક્તિભાવપૂર્વક ધર્મલાભ લીધો હતો જેમાં લીલાવંતીબેન બાબુલાલ શાહ (મુલુંડ), માનવંતીબેન જયંતીલાલ શાહ (મુન્દ્રા), વિજયાબેન વ્રજલાલ મહેતા (ભુજ), હીરૂબેન કાંતિલાલ વાઘજી પરિવાર (મુન્દ્રા) અને જેઠાલાલ દેવચંદ શાહ (મુલુંડ) પરિવારનો સમાવેશ થાય છે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ખરતરગચ્છ જૈન સંઘના પ્રમુખ જયેશભાઈ શાહ, ટ્રસ્ટી બીપીનભાઈ શાહ, વિમલભાઈ મહેતા અને ભરતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, મંત્રી પારસભાઈ ફોફડીયા અને સહમંત્રી વિનોદ મહેતા સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા મેતાજી સુભાષભાઈ જાની દ્વારા સંભાળવામાં આવી હતી. ભક્તિ, સંગીત અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવથી સમગ્ર મુન્દ્રા શ્રીસંઘમાં આનંદની હેલી જોવા મળી હતી.





વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




