આકાંક્ષા હાટ: ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત સ્થાનિક હુન્નર અને ઉત્પાદનોનું ભવ્ય પ્રદર્શન પાલનપુરમાં શરૂ કરાયું

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આકાંક્ષા હાટથી આત્મનિર્ભરતા તરફ પગલું: બનાસકાંઠાના કારીગરોને મળ્યો નવો અવસર
કુલ ૨૧ સ્ટોલ લગાવી સ્થાનિક કારીગરોએ પોતાની બનાવેલી પ્રોડકટનું વેચાણ શરૂ કર્યું સરકારશ્રીના પ્રયત્નોથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે:- જયંતીભાઈ ભાટીયા
એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત “વોકલ ફોર લોકલ” પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ કાશીબા સંકુલ હોલ, પાલનપુર ખાતે “આકાંક્ષા હાટ” નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે. જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે. “આકાંક્ષા હાટ”માં સ્વ-સહાય જૂથોના સ્ટોલ, હેલ્થ, આઇસીડીસી, એફપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ- ૨૧ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તા. ૨૮ જુલાઈ થી ૨ ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેનો સમય સવારના ૧૦:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
આકાંક્ષા હાટ”માં વિવિધ રાખડી, પેચવર્ક, ભરતગુંથણ, ડ્રેસ મટીરીયલ, ચણીયા ચોળી, ચાકળા, તોરણ, સાદા તોરણ, લેટર બોક્ષ, થેલા, જુમર, ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ગીફ્ટ આર્ટિકલ્સ, મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જીલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઇ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરાઈ છે.
પાલનપુર તાલુકાના આકેસણ ગામના જયંતીભાઈ ભાટીયાએ મધની વિવિધ પ્રોડકટનો સ્ટોલ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના જે કારીગરોમાં હુન્નર અને સ્કીલ રહેલી છે. સરકારશ્રીના પ્રયત્નોથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે. તેઓ પોતાની પ્રોડક્ટ અહીં સ્ટોલ ખાતે લઈને આવ્યા છે. આ હાટ ખાતે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. વધુમાં વધુ એક્ઝિબિશનનું આયોજન થાય તે જરૂરી છે જેના થકી ગામડાના છેવાડાના કારીગરોને ફાયદો મળી રહેશે. નાના કારીગરો આ પ્લેટફોર્મ થકી પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકે છે તે માટે તેઓ નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો આભાર વ્યક્ત કરે છે.વાત્સલ્ય સખી મંડળના સંચાલક જાગૃતિબેન મહેતાએ જણાવ્યું કે, તેઓ રાખડી અને નવરાત્રીની વિવિધ વસ્તુઓ આકાંક્ષા હાટમાં વેચાણ કરી રહ્યા છે જેનાથી તેમને સારી આવક થતા રોજગારી મળી રહી છે. તેઓ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે.
પાલનપુર તાલુકાના કરજોડા ગામના હસુમતીબેન જણાવે છે કે, તેમણે પાલનપુર સ્થિત આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હાથ વણાટની ઘણી બધી વસ્તુઓ જોઈ અને ખરીદી પણ છે. અહીં મળતી વિવિધ વસ્તુઓ બજાર કિંમત કરતા પણ સસ્તી છે. તેમણે બનાસકાંઠાના લોકોને આ હાટની મુલાકાત લેવા અપીલ કરી હતી.







