AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના પાંચેય રાજવીશ્રીઓના હસ્તે પરંપરાગત કેલેન્ડરનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આ કેલેન્ડર “આપણી સંસ્કૃતિ – આપણો વારસો – આપણી પરંપરા”ના સંદેશ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.

આ કેલેન્ડરમાં ખાસ કરીને ડાંગના રાજવીશ્રીઓ વિશેની માહિતી, તેમનો ઇતિહાસ અને સમાજ પ્રત્યે આપેલ યોગદાનને વિગતવાર રીતે દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત ડાંગ જિલ્લાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તેમજ સમસ્ત આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળી અને હોળીના પાવન અવસરે આયોજિત થતો ઐતિહાસિક “ડાંગ દરબાર” અંગેની મહત્વપૂર્ણ માહિતી પણ કેલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉપસ્થિત રાજવી શ્રીઓએ જણાવ્યું હતું કે આપણી આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ અને દેવોમાં ઊંડે પાયે વસેલી છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, વાઘદેવ, નાગદેવ, મોટા દેવ, કંસરીયા ગઢ જેવા પવિત્ર દેવો અને સ્થાનોએ હંમેશા આપણા સમાજને માર્ગદર્શન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ શબરી માતાના સંતાન છીએ અને શબરીધામ તથા સીતાનાવન જેવા પવિત્ર સ્થળો આપણો અમૂલ્ય વારસો છે, જેને જાળવી રાખવાની જવાબદારી આપણી સૌની છે. જીવનના દરેક મહત્વના પ્રસંગે આપણે આપણા દેવોને યાદ કરી, તેમની પૂજા કરી અને આશીર્વાદ લઈને આગળ વધવું જોઈએ રાજવી શ્રીઓએ વધુમાં આપણી સંસ્કૃતિ, પરંપરા અને વારસાને જાળવી રાખવા માટે સમાજને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આધુનિકતાના સમયમાં પણ પોતાની ઓળખ ભૂલ્યા વગર પરંપરાગત મૂલ્યોને સાચવી રાખવા અત્યંત જરૂરી છે. આ કેલેન્ડર નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.

Back to top button
error: Content is protected !!