AHAVADANGGUJARAT

Dang: શબરી માતા અને શ્રીરામના મિલન દિવસની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*મંત્રીશ્રીઓ સહિત અનેક સંત મહંતો, પદાધિકારીઓ, સ્વયં સેવકો, ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા:*

સંસ્કૃતિ, સંસ્કાર અને સત્સંગનો પ્રચાર કરવાના આહવાન સાથે લોકોને ભગવાન શ્રી રામ વિશે જાગૃત કરવા પ.પૂ. બાલયોગી પીર ગણેશનાથજી નાથ દલિચા નવનાથ મઠ ત્રમ્બકેશ્વર નાસિકના પીર મહારાજશ્રીએ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી, અમૂલ્ય માનવ જન્મને સાર્થક કરવાની અપીલ કરી હતી.

પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં  પ.પૂ. બાલયોગી પીર ગણેશનાથજીએ, મહર્ષિ વાલ્મિકી લિખિત રામાયણમાં પ્રભુ શ્રી રામ અને માતા શબરીના પ્રસંગમાં વર્ણિત ભાવ અને પ્રેમને સમજવાની અપીલ કરી, રામાયણનો મહિમા વર્ણવ્યો હતો. ઊંચ નીચ, જાત પાત, ધર્મ અધર્મનો છેદ ઉડાડતા શબરી મિલનના પ્રસંગની ગહન વાતોને સરળ શબ્દોમાં વર્ણવતા પ.પૂ. બાલયોગી પીર ગણેશનાથજીએ સનાતન હિન્દૂ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે, કાર્ય કરવાની અપીલ કરી હતી.

શબરી ધામના સ્વામી શ્રી અસીમાનંદજીએ મહારાષ્ટ્રથી પધારેલા ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા, દેશભરમાં ગુંજી ઉઠેલા પ્રભુ શ્રી રામ નામનો મહિમા વર્ણવી, દંડકારણ્યથી અયોધ્યા સુધી જાગેલા ભક્તિના ભાવમાં, ડાંગના માં શબરીના વંશજો પણ ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

આ સાથે જ શ્રી અસીમાનંદજીએ ડાંગ જિલ્લામાં ધર્મજાગરણ દ્વારા શરૂ કરેલ તેઓના કાર્ય તેમજ શબરી ધામની સ્થાપના અંગેની વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી.

શબરીધામ ખાતે વર્ષ ૨૦૦૬ માં યોજાયેલ કુંભમેળાનું વર્ણન કરી, ધર્મજાગરણ ની જ્યોત ને જગાવવા માટે સંઘના સર્વે શ્રી શરદરાવ ઢોલે, શ્રી સુરેશ કુલકર્ણીએ લોકોને અપીલ કરી હતી.

માં શબરીના વંશજોનું વંદન અભિનંદન કરતા રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે દંડકારણ્યની પાવન ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા અહીંની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી, અનેક આક્રંતાઓએ સનાતન હિન્દૂ સંસ્કૃતિને તહસનહસ કરવાની નાપાક કોશિશ કરી, તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના સિદ્ધાંત સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતું.

રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે, ત્યારે આદિવાસી સમાજને યેનકેન પ્રકારે ગુમરાહ કરતા તત્વો સામે સૌને એકજુટ થઈને આહલેક જગાવવાનું પણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે આહવાન કર્યું હતું.

ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે, તેમના પ્રાસંગિક વક્તવ્ય દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિમાં જ ‘રામ’ વણાયેલા છે, ત્યારે સનાતન સંસ્કૃતિમાં માનનારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારાઓની ભ્રામક વાતોમાં ન દોરવાતા, સનાતન સંસ્કૃતિના જતન સંવર્ધન માટે સૌ શબરી માતાના વંશજોને અપીલ કરી હતી.

દરમિયાન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલે શબરી ધામ અને તેના માહાત્મ્યની રૂપરેખા આપી, આદિવાસી સમાજની શ્રદ્ધા ભક્તિનો પરિચય આપ્યો હતો.
આ પ્રંસગે બાળકો માટે ઉપયોગી શબરી માતા ઉપર લિખિત શબરી માતાની જીવન ગાથા વર્ણવતી ‘શબરીની પ્રેરક માળા’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સાથે પંપા સરોવર થી શબરીધામ યોજાયેલ સુધી યોજાયેલ શોભાયાત્રામા પણ મહાનુભાવો જોડાયા હતા. શબરીધામ ખાતે યોજાયેલા ‘શ્રી રામ-શબરી મિલન સમારોહ’માં મહારાષ્ટ્રથી હજારો ભાવિક ભક્તો સાથે કાર્યક્રમમાં પધારેલ પ. પૂ. બાલયોગી પીર ગણેશનાથજી નાથ દલિચા નવનાથ મઠ ત્રબકેશ્વર નાસિકના પીર મહારાજ, સ્વામી શ્રી અસીમાનંદજી, સંઘના સર્વે શ્રી શરદરાવ ઢોલે, શ્રી સુરેશ કુલકર્ણી, શ્રી પી.પી.સ્વામીજી, કેબિનેટ મંત્રી  કુબેરભાઈ ડીંડોર, વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ, ગણદેવી ધારાસભ્ય વ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સુર્યવંશી, શબરી ધામ મંદિરના ટ્રસ્ટ્રીઓ, ડાંગ ભાજપ સંગઠન પ્રભારી  રાજેશભાઈ દેસાઈ, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ભાજપ મહામંત્રી હરિરામભાઈ સાવંત,  દિનેશભાઇ ભોયે સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!