
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા ગૌ સેવા સમિતિ દ્વારા આહવા નગરના રંગ ઉપવનનાં પટાંગણમાં પૂજ્ય સાધ્વી કપિલા ગોપાલ સરસ્વતી દીદીના મધુર સ્વરમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સત્સંગમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દીદીના અમૃતમય વચનોનો લાભ લીધો હતો.સત્સંગ દરમિયાન દીદીએ ગૌ માતાના મહિમાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાનું અનેરું મહત્વ છે.ગાયનું દૂધ, છાણ અને મૂત્ર અત્યંત પવિત્ર હોય છે અને તે અનેક રીતે ઉપયોગી છે. તેમણે સ્ત્રીને મહાન આત્મા ગણાવી અને લગ્ન પછી સાસુ-સસરાની પોતાના માતા-પિતાની જેમ સેવા કરવા પર ભાર મૂક્યો હતો.દીદીએ મહાભારતના દાનવીર કર્ણ અને કન્યાદાનમાં ગૌદાનના મહત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાય જ્યારે વાછરડાને જન્મ આપે છે ત્યારે તેની આસપાસ નવ ફેરા ફરવાથી કુંવારા લોકોને સર્વ ગુણ સંપન્ન પત્ની મળે છે. ગૌ માતા ધરતી પર સુખ અને સમૃદ્ધિ લાવે છે અને તેમનું હિન્દુ સમાજમાં વિશેષ સ્થાન છે.દેશની આઝાદીમાં ગૌ માતાના યોગદાન વિશે વાત કરતાં દીદીએ મંગલ પાંડેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંગલ પાંડેને જ્યારે ખબર પડી કે અંગ્રેજો દ્વારા વપરાતી બંદૂકની ગોળીઓમાં ગાયના માંસનો ઉપયોગ થાય છે, ત્યારે તેમણે અંગ્રેજો સામે બંડ પોકાર્યો હતો, જે 1857ના ક્રાંતિની શરૂઆતનું કારણ બન્યુ હતુ. આઝાદી પછી ભારતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આજના સ્વાર્થી રાજનેતાઓ અને લોકો ગૌ માતાની હત્યા કરી રહ્યા છે. આજે ગાયો રસ્તાઓ પર ભટકી રહી છે અને ઠોકરો ખાઈ રહી છે, જ્યારે દૂધ કાઢી લીધા પછી સ્વાર્થી માલિકો તેમને તરછોડી દે છે. ગાયોની તસ્કરી માટે સરકાર ટ્રાન્સપોર્ટેશન લેટર આપે છે, પરંતુ વાસ્તવમાં તેમને ખેડૂતોના ઘરે પહોંચાડવાના બદલે અન્ય કોઈ જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં તેમને ઘાસચારો અને પાણી પણ આપવામાં આવતું નથી અને ટ્રકમાં ખીચોખીચ ભરી દેવામાં આવે છે.દીદીએ તેમના ગુરુના વચનોને ટાંકીને કહ્યું હતું કે જ્યાં સુધી ગૌ માતાનું રક્ત વહેતું રહેશે ત્યાં સુધી કોઈ પણ પૂજા-પાઠ કે અનુષ્ઠાન સફળ નહીં થાય. આજે ગૌ માતાની સ્થિતિ અત્યંત ખરાબ છે. લોકોના ઘરમાં ચાર ગાડીઓ પાર્ક કરવાની જગ્યા છે, પરંતુ એક ગાયનું પાલન કરવાનો સમય નથી. જો રામ મંદિર માટે એક-એક ઈંટ આપી શકાય છે, તો દરેક ગામમાં એક સુંદર ગૌશાળા પણ હોવી જોઈએ. હિન્દુસ્તાનમાં ગૌ માતા વોટ નથી આપતી, તેથી તેની કોઈ કિંમત નથી. આ એક દોગલી રાજનીતિ છે. અરબ દેશોમાંથી આવતા ફંડના કારણે જ ગૌ હત્યા બંધ થતી નથી.દીદીએ તેમના પ્રવચન દ્વારા લોકોને ગૌ માતાના મહિમા વિશે સમજાવ્યું હતું. કથાના અંતે આરતી કરવામાં આવી હતી અને સમૂહ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ દિવ્ય ગૌ માતા સત્સંગમાં મેલડી માતા પરિવાર, ગોગા મહારાજ પરિવાર, પંપા સરોવરના સાધુ સંતો, આહવાના ઉપસરપંચ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને માતા-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





