વટવામાં બહેનો માટે મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે જેવી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી. પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર જેવી મહિલાકેન્દ્રી યોજનાઓથી બહેનોને જાગૃત કરાયાં
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત ‘સંકલ્પ: હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન’, સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્ર ટીમ દ્વારા અમદાવાદમાં વટવા સ્થિત આજીવિકા મિશન બ્યુરો સંસ્થા ખાતે મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અમલીકૃત મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાના વિવિધ પ્રકલ્પોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
‘સંકલ્પ: હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન’ યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશ સોલંકી અને સ્પેશિયાલિસ્ટ ઈન ફાઈનાન્સ લિટરસી હેમલ બારોટ દ્વારા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અમલીકૃત મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, જેમાં રાજ્ય પુરસ્કૃત વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે માહિતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે મહિલા સહાયતા કેન્દ્ર, વસ્ત્રાપુરના કાઉન્સેલર ભૂમિબહેન ડોડિયાએ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના અને સખી વન સ્ટોપ સેન્ટર, અસારવાના કેન્દ્ર સંચાલક શ્રી ચેતનાબહેન નાઈએ કેન્દ્ર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની પૂરતી માહિતી આપી વટવા વિસ્તારની બહેનોને જાગૃત કર્યા હતા.







