
મહીસાગર જિલ્લા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)
***
મહીસાગર જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં તા. ૨૯ તથા ૩૦ નવેમ્બરના રોજ મેગા કલેકશન કેમ્પનું આયોજન
***
મહીસાગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે SIR અંતર્ગત ખાસ મેગા કલેકશન કેમ્પ યોજાશે
***
અમીન કોઠારી, મહીસાગર:
મહીસાગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના તમામ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા તા. ૦૪/૧૧/૨૦૨૫ થી તા. ૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં એન્યુમેરેશન (ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે-ઘરે જઈને વિતરણ કરવામાં આવેલ છે. આ ભરેલા ફોર્મ પરત જમા લઈ ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના ૭૫% ગણતરી ફોર્મ્સ (EF) ઓનલાઈન કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે.
જેના ભાગરૂપે “કોઈ લાયક મતદાર રહી ન જાય, સઘન સુધારણાનો અવસર વહી ન જાય” તે હેતુસર મતદારયાદીમાં નામ સુનિશ્ચિત કરવા માટે વધુ એક વાર તા. ૨૯ નવેમ્બર (શનિવાર)ના રોજ બપોરે ૧૨:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી તથા તા. ૩૦ નવેમ્બર (રવિવાર)ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મહીસાગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે મેગા કલેકશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મતદારો ભરેલા ગણતરી ફોર્મ (EF) જમા કરાવી શકશે. જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તો તેમનું નામ શોધી આપવામાં આવશે. તથા મતદારનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-૨૦૦૨ની મતદારયાદીમાં ન મળતું હોય તેવા કિસ્સામાં તેઓ જરૂરી પુરાવાઓ આ ખાસ ઝુંબેશના દિવસે નિયત સ્થળ અને સમયે જમા કરાવી શકશે.


