ભરૂચ પોલીસની મોટી સફળતા:5 જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર શાતિર તસ્કર દાહોદથી ઝડપાયો, 19 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે પાંચ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરનાર શાતિર તસ્કરને દાહોદના લીમખેડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી કલ્પેશ બચુભાઈ પરમાર ભરૂચ, છોટાઉદેપુર, મહેસાણા, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી ચૂક્યો છે.
તાજેતરમાં 7 જુલાઈ 2024ના રોજ ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ગામમાં મિલેનીયમ માર્કેટમાં એક મકાનમાંથી રૂ. 18.97 લાખની મતાની ચોરી થઈ હતી. આરોપીએ મકાનનો નકૂચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ઝાલા અને LCB PI મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ જીતેશકુમાર સમીરભાઈને મળેલી બાતમીના આધારે આરોપીને તેના વતન કંબોઈ ગામ, લીમખેડા, દાહોદથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.પાટીદારની ટીમે આરોપીની પૂછપરછ કરતાં તેણે અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી વડોદરા ગ્રામ્યના વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં પણ નાસતો ફરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




