GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગરના લુણાવાડા ખાતે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” થીમ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો

રિપોર્ટર…..
અમીન કોઠારી મહીસાગર

મહિસાગરના લુણાવાડા ખાતે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” થીમ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો
***
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, લુણાવાડા ખાતે મીડિયા કર્મીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું
***

ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના મીડિયા કર્મીઓના સ્વાસ્થ્ય રક્ષણ માટે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-લુણાવાડાના સહયોગથી પત્રકાર મિત્રો માટે નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ આરોગ્ય કેમ્પમાં મીડિયા કર્મીઓ માટે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC), બ્લડ ગ્રુપ, લિવર અને કિડની ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ, કેલ્શિયમ અને વિટામિન B-12 સહિતના મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 35 વર્ષથી વધુ વયના પત્રકારો માટે એક્સ-રે ચેસ્ટ અને ઇસીજી (ECG) જેવી તપાસની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જિલ્લાના વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ આ કેમ્પનો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન અંદાજે ૨૦થી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 10 થી વધુ પત્રકારોના ઇસીજી તથા એક્સ-રે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સહાયક માહિતી નિયામક શ્રી હરીશ પરમાર અને માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહી પત્રકારોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.

આ કેમ્પમાં રેડ ક્રોસ રાજ્ય શાખા, અમદાવાદ તરફથી કેમ્પ ઇન્ચાર્જ, એક્સ-રે અને ઇસીજી ટેકનિશિયનોએ વિશેષ સેવાઓ પૂરી પાડી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ દિવસ-રાત સમાચાર સેવામાં વ્યસ્ત રહેતા મીડિયા કર્મીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને અને સમયાંતરે શારીરિક તપાસ કરાવી ‘ફિટ મીડિયા’ના અભિયાનને સાર્થક કરે તેવો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!