Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ખાતે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કેમ્પમાં જનરલ ચેકઅપ, બ્લડ ટેસ્ટ, આંખ, કાન-નાક-ગળા, દાંત, હાડકા, હૃદય, ફેફસા, કેન્સરના રોગો સહીત બાળકો અને મહિલા વિભાગના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા તપાસ
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય અને સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આરોગ્ય કેમ્પમાં વિવિધ વિભાગના સ્ટોલ સાથેનું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું, જેમાં રજીસ્ટ્રેશન સાથે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, બાળકો અને યુવાઓ માટે વિવિધ પ્રકારની તપાસ તથા નિદાન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળા પ્રમાણમાં નાગરિકોએ આરોગ્યલક્ષી સેવાનો લાભ લીધો હતો.
કેમ્પમાં જનરલ ચેકઅપ અને બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા હાર્ટ સંબંધિત તપાસ, આંખ, કાન-નાક-ગળા તથા દાંતની તપાસ, મહિલાઓ માટે ગાયનેકોલોજિકલ કન્સલ્ટેશન, નેફ્રોલોજિસ્ટ વિભાગ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, પીડિયાટ્રિક, ટીબી ચેસ્ટ વિભાગ, મેડિસિન, સર્જરી, ઈ. એન. ટી., આંખ વિભાગ, કેન્સર વિભાગ, દાંતનો વિભાગ, માનસિક રોગોનો વિભાગ, હાડકાનો વિભાગ, ચામડી વિભાગમાં નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
વિશેષમાં કેમ્પમાં બાળકો માટે ઇમ્યુનાઇઝેશન તથા પોષણ અંગે માર્ગદર્શન, વયોશ્રી કાર્ડ અને પી.એમ.જે.એ.વાય કાર્ડની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
આ ઉપરાંત નાગરિકોને સ્વચ્છતા, સંતુલિત આહાર, તંદુરસ્ત જીવનશૈલી અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાયો તથા મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
કેમ્પમાં કુલ ૧૨૩ દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો, જયારે ૧૭ સ્વયંસેવકોએ રક્તદાન કરી માનવતાની સેવા આપી હતી. વરિષ્ઠ નાગરિકોની મદદ માટે ૧૭ વયોશ્રી કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, એઈમ્સ હોસ્પિટલ અને યુ. એન. મહેતાના હૃદય રોગોના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ મદદરૂપ બન્યો હતો.