હાલોલ- પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઇ, ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૧૨.૨૦૨૪
હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપ ના ગોડાઉન માં આજે સાંજે ભીષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. હાલોલ માં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તાર ના રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પ્લાસ્ટિક, અને કેમિકલ ના ડ્રમ ભરેલા ગોડાઉન માં આગ લાગતા હાલોલ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.પાવાગઢ રોડ ઉપર સિંધવાઈ મંદિર ની સામે આવેલા અને ભંગાર અને સ્ક્રેપ ની આડ માં કેમિકલ નું પ્રોસેસિંગ કરતા એક ટ્રેડર્સ ને થોડા સમય પહેલા જ GPCB એ હેઝર્ડ વેસ્ટ ને કારણે ક્લોઝર આપવામાં આવ્યો હતો. આજે સાંજે ત્યાં નજીક માં જ વધુ એક ગોડાઉન માં આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉન માં સ્પંચ, પ્લાસ્ટિક, સહિત પીયુ નો સ્ક્રેપ આગ માં સળગી જતા ધુમાડા ના ગોટા આકાશમાં ઉઠ્યા હતા, ગોડાઉન માં કેમિકલ ના ડ્રમ હોવાથી તે બ્લાસ્ટ થવાની સંભાવનાઓ ને કારણે લોકો માં ભય ફેલાયો છે. હાલોલ GIDC માં આવેલા અનેક એકમો GPCB ના નિયમો ની ઐસી તૈસી કરી કંપની માંથી નીકળતો વેસ્ટ બારોબાર સગેવગે કરવા આવા સ્ક્રેપ અને ભંગાર ના ગોડાઉનો માં વેસ્ટ ઠાલવી દેતા હોવાને કારણે નગરના રહેણાક વિસ્તારો માં પણ અનેક સ્ક્રેપ ના ગોડાઉનો માત્ર પાલિકાના વ્યવસાય વેરા ના આધારે ઉભા થઇ ગયા છે, હાલોલ પાલિકા ના વેસ્ટ નિકાલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આવા ગોડાઉનો માં ઠલવાતા સ્ક્રેપ અંગે કોઈજ તપાસ કરવામાં આવતી ન હોવાથી અહીં બિન્દાસ હેઝર્ડ નો પણ નિકાલ કરી દેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.









