અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ” સંતૃપ્તિ અભિયાન” નો પ્રારંભ, અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે અભિયાન શરૂ કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં શરૂ થશે ડોર-ટુ-ડોર સર્વે અભિયાન: દરેક લાભાર્થી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો હેતુ
અરવલ્લી જિલ્લામાં મિશન સંતૃપ્તિ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સતત જિલ્લાના તમામ નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા પ્રયત્નશીલ રહેલ છે. તેમ છતાં જો કોઈ પણ કારણોસર કોઈ લાભાર્થીને લાભ લેવાનો બાકીમાં રહી ગયેલ હોય તો તેવા લાભાર્થીઓને ઘરે ઘરે જઈ સર્વે કરી શોધવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મિશન સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક ગામના દરેક ઘરનો મોબાઈલ એપ્લીકેશન દ્વારા સર્વે કરી લાભ આપવાપાત્ર લાભાર્થી જો બાકી રહી ગયેલ હોય તો તેને શોધવા માટે આ મિશનની શરૂઆત આજ રોજ માન. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ની હાજરીમાં કરવામાં આવેલ છે.
અરવલ્લી જિલ્લા વહવટી તંત્ર દ્વારા અને સંબંધિત વિભાગોના તાજેતરના અવલોકનમાં જાણવા મળ્યું કે અનેક પાત્ર લાભાર્થીઓ આધાર કાર્ડ અપડેશન, e-KYC તથા બેંક ખાતા નંબર આધાર સાથે લીંક ન હોવા જેવી તકનિકી ખામીઓના કારણે યોજનાઓના લાભથી વંચિત રહી રહ્યા છે. પરિણામે PMAY, NRLM, MGNREGA, ખેતીવાડી વિભાગની PM-Kisan, ફાર્મર રજીસ્ટ્રેશન, આધારકાર્ડ અપડેશનની કામગીરી , આરોગ્યની માતૃવંદના યોજના, તેમજ ICDS વિભાગ જેવી યોજનાઓના લાભાર્થીઓને અડચણો આવતી હોય છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ નિર્ણય લેવાયો છે કે દરેક તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારોમાં સર્વે ટીમો ઘરઆંગણે જઈ કુટુંબોની વિગતો એકત્ર કરશે.
આ સર્વે દરમિયાન : આધાર કાર્ડ અપડેશન,e-KYC પૂર્ણ કરાવવા બેંક ખાતા આધાર સાથે લીંક કરાવવાની કાર્યવાહી અને જે સરકારી લાભ નથી મળ્યા તેઓને સરકારી વહીવટી તંત્ર દ્વારા લાભ આપવાનો તેમજ પાત્ર કુટુંબોની યોજનાઓ માટે નોંધણી કરવામાં આવશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સર્વે ટીમોને સંપૂર્ણ સહકાર આપે અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવે, જેથી કોઈ પણ પાત્ર પરિવાર સરકાર ની કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે.આજની પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.