
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો, જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ
અરવલ્લી જિલ્લામાં પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધે તથા લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે હેતુસર ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચો, વેપારીઓ, સામાજિક આગેવાનો સહિત 50 થી વધુ લોકો હાજર રહ્યા હતા.વાર્ષિક નિરીક્ષણ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે યોજાયેલા લોકદરબારમાં લોકો દ્વારા ગામના વિવિધ પ્રશ્નો, ટ્રાફિક સમસ્યાઓ અને કાયદો-વ્યવસ્થાને લગતા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને શક્ય તેટલું તાત્કાલિક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
લોકદરબાર દરમિયાન ટોરડા-ટાકાટુકા પોલીસ આઉટપોસ્ટ પાસે પોલીસ કર્મચારીઓ માટે મકાનની સુવિધા ન હોવાનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. ઉપરાંત વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા, CCTV કેમેરા વધારવા અને ભિલોડા પોલીસ સ્ટેશનમાં મહેકમ વધારવાની માંગ પણ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડાએ ગુનાખોરી ઘટાડવા પોલીસ સતત સક્રિય રહેશે તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન પણ અરજદારોને પરત આપવામાં આવ્યા હતા, જેને કારણે લોકોને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું જોવા મળ્યું હતું.આ લોકદરબારથી પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો હોવાનું ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું





