BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરુચ પ્રાંત અધિકારી,વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની સયુંક્ત ટીમ દ્વારા મોટી કાર્યવાહી,અલાદર પાસે માટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું

સમીર પટેલ, ભરૂચ

****
ગેરકાયદેસર ખનન અને પરિવહન કરતા ૮ વાહનો ઝડપાયા, અંદાજિત ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત જ્યારે ૧૦ લાખથી વધુનો દંડ સ્થળ પર જ વસૂલાયો

ગેરકાયદેસર ખનન મામલે તંત્રનો સકંજો: પરમિશન કરતાં વધુ ખોદકામ કરવામાં આવતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ, માપણીના આધારે મસમોટો દંડ હજૂ વસૂલાશે

ભરુચ – જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ, ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લાવહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.  ભરુચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેર થી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. ખેતરમા સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. સાથોસાથ ઓએનજીસીની પાઈપ લાઈનમાં પણ નુકશાન થયાનું ધ્યાને આવ્યું હતું. આથી ભરુચ પ્રાંત અધિકારી સુ.શ્રી મનીષા મનાણી અને વાગરા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની સયુંક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમિયાન પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન, ખોદકામ કરતા ૬ ટ્રક અને ૨ હેવી મશીનરી સહિત કુલ રૂપિયા ૨.૮૦ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ નિયમો-૨૦૧૭ હેઠળ તેમજ પર્યાવરણ સંબંધિત નુકશાન સામે આ તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી કરતાં સ્થળ પર જ વહીવટી તંત્રએ અંદાજિત ૧૦ લાખની વધુનો દંડ ફટકારીને વસૂલવામાં આવ્યો છે.
વધુમાં, સર્વે નંબરમાં પરમિશન કરતા ઘણું જ વધારે ખોદકામ કરવામાં આવતાં ખાણ અને ખનિજ વિભાગ આ સર્વે નંબરમાં ગેરકાયદેસર ખોદકામ અંગે સર્વેની કામગીરી હાથ ધરશેઅને જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે.
હાલમાં આ તમામ વાહનોનો કબ્જો વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને સોંપવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલ વાહનોની વિગત:

તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પરથી નીચે મુજબના વાહનો સીઝ કરવામાં આવ્યા છે:
જેમાં ૬ ટ્રક: (નંબર: GJ-16-AY-5881, GJ-16-AV-5346, GJ-16-AY-0699, GJ-16-AV-3862, GJ-16-AY-2376, GJ-16-AY-8873) – જેની અંદાજિત કિંમત રૂ. ૧.૮૦ કરોડ અને ૧ હિટાચી મશીન (Volvo EC210D): અંદાજિત કિંમત રૂ. ૫૦ લાખ. તેમજ ૧ હાઈડ્રોલિક મશીન (R215L): અંદાજિત કિંમત રૂ. ૫૦ લાખ.
કુલ મુદ્દામાલ: અંદાજિત રૂ. ૨,૮૦,૦૦,૦૦૦/- (બે કરોડ એંસી લાખ)

Back to top button
error: Content is protected !!