ગોધરાના કાલાભાઈ પેટ્રોલપંપ પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

પ્રતિનિધી ગોધરા તા.23
નિલેશભાઈ દરજી શહેરા
પશ્ચિમ વિસ્તારમાં પરોઢે 4 વાગ્યે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલપંપ નજીક લાકડાના ગોડાઉનમાં શુક્રવારની વહેલી પરોઢે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગોડાઉનમાં લાકડાનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરાના કાલાભાઈ પેટ્રોલપંપ વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે આશરે 4:00 વાગ્યાના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સૂકું લાકડું અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાવા લાગી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.





